અમે આંધી વચ્ચે તણખલાંના માણસ; પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.
ફટાણાંના માણસ, મરસિયાના માણસ; અમે વારસાગત સમસ્યાના માણસ.
‘કદી’થી ‘સદી’ની અનિદ્રાના માણસ; પ્રભાતોની શાશ્વત પ્રતીક્ષાના માણસ.
અમે અમને મળવાને ઝૂરતા જ રહીએ; સડકવન્ત ઝિબ્રાતા ટોળાના માણસ.
શિખર? ખીણ? ધુમ્મસ? સૂરજ? કે કશું નૈં? ‘ટુ બી-નૉટ ટુ બી’ની ‘હા-ના’ના માણસ.
ભરત કોઈ ગૂંથતું રહે મોરલાનું; અમે ટચ્ચ ટૂંપાતા ટહુકાના માણસ.
મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે; હતા આપણે મૂળ તડકાના માણસ. |