Thursday, May 24, 2007

મૂકી છે પીઠ પાછળ સૂરજે પોતાની દુનિયાને
હું બેઠો છું નદીકાંઠે લઇ ખોળામાં સંધ્યાને
હવે મોડા પડો તો પૂછજો બાળકને સરનામું
કદાચિત ઓળખે એનાં રહસ્યો આ સમસ્યા ને


ચાહું છું કોઇમાં વિશ્વાસ મૂકી દઉં આજે
જિંદગી કોઇનો એ રીતે સહારો લઇ લે
જે રીતે આવીને ઠલવાય હજારો મોજાં
જેમ સાગરનો બધો ભાર કિનારો લઇ લે


ચાહું છું એટલું રંગીન જીવન થઇ જાયે
વેદીઆ મારી તબિયતને ‘ગુલાબી’ કહી દે
જે રીતે રાહમાં ભૂખ્યાને લથડતો જોઇ
સજ્જનો નાક ચઢાવીને ‘શરાબી’ કહી દે


મિત્ર! આ મારી તરફ જોઇને હસતાં પુષ્પો
મારા ભૂતકાળના રંગીન પ્રસંગો તો નથી
કૈંક કરમાઇને ક્યારીમાં પડ્યા છે એમાં
જોઇ લેવા દે મને મારા ઉમંગો તો નથી?


એ રીતે તારા ભરોસે હું જીવું છું જીવન
જાણે પડતો કોઇ આધારને પકડી લે છે
દિલને દઇ જાય છે એ રીતે તું રંગીન ફરેબ
જાણે બાળક કોઇ અંગારને પકડી લે છે


સફરમાં કેટલા દિવસો વીતાવ્યા કેટલી રાતો
વિપદની કેવડી વણઝાર કે છેડો ન દેખાતો
કદી આ કાળ કેરી મંજરીના તાલમાં વાગી
પરંતુ સર્વ સંજોગોમાં વણઝારો રહ્યો ગાતો