Showing posts with label સુરેશ દલાલ. Show all posts
Showing posts with label સુરેશ દલાલ. Show all posts

Monday, May 18, 2009

તારા વિના
તારા વિના સૂરજ તો ઊગ્યો
પણ આકાશ આથમી ગયું.
તારા વિના ફૂલ તો ખીલ્યાં
પણ આંખો કરમાઈ ગઈ.
તારા વિના ગીત તો સાંભળ્યું
પણ કાન મૂંગા થયા.
તારા વિના…

તારા વિના…
તારા વિના…

જવા દે,કશું જ કહેવું નથી.
અને કહેવું પણ કોનેતારા વિના ?

- સુરેશ દલાલ

Tuesday, March 17, 2009

તમે કહો તો હા અને જો ના કહો તો નહીં,
અમે તમારે કોરે કાગળ કરી દઈએ સહી.

તમે કહો કે ચાલવું છે
તો રસ્તો થઈને ખૂલશું
તમે કહો કે ભૂલવું છે
તો યાદ કરીને ભૂલશું.

મીરાંની મટુકીમાં માધવ: હોય ન બીજું કંઈ.
તમે કહો તો હા અને જો ના કહો તો નહીં.

તમે કહો કે નહીં બોલો
તો હોઠ ઉપર છે તાળાં
ભીતરમાં તો ભલે થતી રહે
નામતણી જપમાળા

તમે કહો કે સાથે રહો તો અમે જઈશું રહી.
તમે કહો તો હા અને જો ના કહો તો નહીં.

આપણે આપણી રીતે રહેવું:
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !

ફૂલની જેમ ખૂલવું
અને ડાળની ઉપર ઝૂલવું
ભમરાનું ગીત કાનમાં આંજી
કાંટાનું રૂપ ભૂલવું

મૂંગા થઈને સહેવું અને કહેવું હોય તો પંખીની જેમ કહેવું
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું!

પગલાં ભૂંસી ચાલતા થવું
પંથની ઉપર મ્હાલતા જવું
આનંદ આનંદ વેરતાં વેરતાં
આનંદને પંપાળતા જવું

લેવું દેવું કાંઈ નહીં: કેવળ હોવું એ જોતા રહેવું
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !

Wednesday, October 22, 2008

મારે કવિતા લખવી નથી.
મારે તો લખવો છે કાગળ
-સરનામા વિનાનો,
મારા નામ વિનાનો !
તું યાદ આવે છે એટલે
હું કાગળ લખતો નથી.
હું કશુંક ભૂલવા માંગુ છું
એટલે કાગળ લખું છું.

Saturday, May 19, 2007

કમાલ કરે છે
એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે.

ડોસો જાગે ત્યારે ચશ્માં આપે
અને બ્રશ ઉપર પેસ્ટને લગાડે,
લોકોનું કહેવું છે કે ડોસીને આમ કરી
ડોસાને શાને બગાડે ?
મસાલા ચા અને ગરમ ગરમ નાસ્તો
ડોસી ડોસાનો કેવો ખ્યાલ કરે છે?

નિયમ પ્રમાણે દવા આપેછે રોજ
અને રાખે છે ઝીણું ઝીણું ધ્યાન,
બન્નેનો સંબંધ તો એવો રહ્યો છે
જાણે તલવાર અને મ્યાન.

દરમ્યાનમાં બન્ને જણ મૂંગાં મૂંગાં
એકમેકને એવાં તો ન્યાલ કરે એ.

કાનમાં આપે એ એવાં ઈન્જેકશન
કે સિગરેટ શરાબ હવે છોડો,
ડોસો તો પોતાના તાનમાં જીવે
કયારેક વહેલો આવે કે ક્યારેક મોડો.

બન્નેની વચ્ચે વહે આછું સંગીત
પણ બહારથી ધાંધલધમાલ કરે છે.

ડોસો વાંચે અને ડોસીને મોતિયો
બન્ને જણ વચ્ચે આવો છે પ્રેમ,
લડે છે,ઝગડે છે,હસે છે, રડે છે,
જીવન તો જળની જેમ વહેતું જાય એમ.

દોસ્ત જેવી દીકરીની હાજરીમાં બન્ને જણ
ઘરની દિવાલને ગુલાલ કરે છે.

Saturday, May 12, 2007

રમવું હોય તો રમજો રાજા ! ખુલ્લી બાજી રાખીને
છાનગપતિયાં કરવાં એ તો શોભે નહીં અલગારીને.

ધરતીને નહીં ઢાંકપિછોડો
ખુલ્લું છે આકાશ,
છળકપટના શ્વાસમાં છેવટ
હોય નહીં કોઇ હાશ.

મુજરો શાને કરવો આપણે સાચું-ખોટું નાચીને ?
રમવું હોય તો રમજો રાજા ! ખુલ્લી બાજી રાખીને.

આપણે સાથે રમવા બેઠાં
એનો છે આનંદ,
બાજી છે : પણ નહીં બાજીગર
નહીં શ્રીમંત કે રંક.

હસતાં હસતાં રમીએ રાજા ! દંભને સદા ફગાવીને.
રમવું હોય તો રમજો રાજા ! ખુલ્લી બાજી રાખીને.

અંચઇનું કોઇ નામ નહીં
કે અંચઇનું કોઇ કામ નહીં,
કોઇ હુકમનું પાનું નહીં
ને કોઇ અહીં ગુલામ નહીં.

કરો પ્રતીક્ષા રઘુરાયની શબરીનાં બોર ચાખીને.
રમવું હોય તો રમજો રાજા ! ખુલ્લી બાજી રાખીને.

ભણેલા માણસો આટલા બધા અભણ કેમ ?
નરી કોરી ચર્ચાઓ, અહમનાં તીખાંતમ મરચાંઓ
નહીં કોઇ વિચારણા, કેવળ પૂર્વગ્રહિત ધારણા
બંધ બારીબારણાં.

સરસ્વતીના આટલા બધા કાદવથી ખરડાયેલા ચરણ કેમ ?
ભણેલા માણસો આટલા બધા અભણ કેમ ?

વિદ્યાર્થીમાં ધન જુએ, સાધન જુએ, સાધનાનું નામ નહીં
ખુન્નસ, હુંસાતુંસી, ઝેરીલી-વેરીલી વૃત્તિ, ખાર,
આપણું તો કામ નહીં.

લોકોનાં આટલી હદે થીજી ગયેલાં ઝરણ કેમ ?
ભણેલા માણસો આટલા બધા અભણ કેમ ?

રાજકારણનો ગંદવાડ, મવાલી મનનો મંદવાડ,
બધાં જ ઠૂંઠાઓ, નહીં કોઇ પ્હાડ, સરોવર કે ઝાડ.
સંસ્કારની વાતોનો તો વહી ગયો યુગ
માણસને માણસની આટલી બધી સૂગ !
ચારે બાજુ ટાંટિયાની ખેંચતાણ :
વ્હેમનાં વમળ ને ક્યાંય પ્રેમ નહીં.

સાંદીપનિના આશ્રમમાં કેવળ ઉત્તર વિનાના પ્રશ્ન,
નહિં સાંદીપને, નહિં સુદામા, નહિં કૃષ્ણ.
કોઇ તો કહો કે આ બળબળતું રણ કેમ ?
ભણેલા માણસો આટલા બધા અભણ કેમ ?

મારી ગાગર ઉતારો તો જાણું
કે રાજ, તમે ઊંચક્યો ’તો પ્હાડને !
હું તો ઘરે ઘરે જઇને વખાણું
કે રાજ, તમે ઊંચક્યો ’તો પ્હાડને !

આખો દી વાંસળીને હાથમાં રમાડો કહાન !
એમાં શા હોય ઝાઝા વેતા ?
કાંટાળી કેડી પર ગાગર લઇને અમે
આવતાં, જતાં ને સ્મિત દેતાં.
હું તો વ્હેતી જમુનાને અહીં આણું :
મારી ગાગર ઉતારો તો જાણું,
કે રાજ, તમે ઊંચક્યો ’તો પ્હાડને !

ડચકારા દઇને દઇને ગાયો ચરાવવી
ને છાંય મહીં ખાઇ લેવો પોરો.
ચપટીમાં આવું તો કામ કરી નાખે
અહીં નાનકડો ગોકુળનો છોરો.
ફરી ફરી નહીં આવે ટાણું :
મારી ગાગર ઉતારો તો જાણું,
કે રાજ, તમે ઊંચક્યો ’તો પ્હાડને !

ફૂલપાંદળી જેવી કોમળ
મત્ત પવનની આંગળીએથી
લાવ, નદીના પટ પર તારું નામ લખી દઉં !

અધીર થઇને કશુંક કહેવા
ઊડવા માટે આતુર એવા
પંખીની બે પાંખ સમા તવ હોઠ જરા જ્યાં ફરકે…
ત્યાં તો જો -
આ વ્હેતા ચાલ્યા અક્ષરમાં શો
તરંગની લયલીલાનો કલશોર મદીલો ધબકે…

વક્ષ ઉપરથી
સરી પડેલા છેડાને તું સરખો કરતાં
ઢળી પાંપણે ઊંચે જોતી
ત્યારે તારી માછલીઓની
મસ્તીશી બેફામ…
લાવ, નદીના તટ પર ઠામેઠામ લખી લઉં.

તવ મેંદીરંગ્યા હાથ,
લાવને, મારું પણ ત્યાં નામ લખી દઉં !

અમે એવા છઇએ : અમે એવા છઇએ.

તમે માછલી માગો ને અમે દરિયો દઇએ.

તમે અમથું જુઓ તો અમે દઇ દઇએ સ્મિત,

તમે સૂર એક માગો તો દઇ દઇએ ગીત,

તમે વાંસળી કહો ત્યાં અમે વૃન્દાવન જઇએ,

અમે તારા બગીચાની માલણ છઇએ.

તમે પગલું માંડો કે અમે થઇ જઇએ પંથ,

અમે ફૂલોની પાંદડીમાં છૂપી વસંત,

તમે પૂછો નહિ અમને અમે કેવા છઇએ,

અમે તારા આકાશમાં પારેવાં છઇએ.

ઊભી ઊભી તારો હું કાગળ વાંચું : તારા અક્ષરમાં મારું ત્રિભુવન.
એક એક શબ્દની ડાળી પર ઝૂલું ને ધરતી પર અવતરે ગગન.

હવે આખો દિવસ ગીત ગુંજ્યા કરીશ
અને રાતે હું તો સપનાંની નાવમાં,
વાત મારી ઘૂમટો તાણી બેઠી છે
મને પૂછો નહીં પાગલ કિયા ભાવમાં ?

મારી શય્યા પર ઓશીકાને થાય છે રોમાંચ અને ઓઢવાનું ઝંખે એક જણ.
ઊભી ઊભી તારો હું કાગળ વાંચું : તારા અક્ષરમાં મારું ત્રિભુવન.

આખી દુનિયા હવે વ્હાલી લાગે :
મારી મુઠ્ઠીમાં ચાંદની ને તડકો,
હોઠને કહું કે હવે રહેવાનું ચૂપ
તો આંખમાંથી છલકે ઉમળકો.

કેમ કરી કેવી રીતે સંભાળું મને : મારી ફરકે છે ડાબી પાંપણ.
ઊભી ઊભી તારો હું કાગળ વાંચું : તારા અક્ષરમાં મારું ત્રિભુવન.

Wednesday, May 9, 2007

ધિક્કાર શું છે ?
પ્રેમશૂન્યતા.

પ્રેમ શું છે ?
હ્રદય રિકતતા.

હ્રદય શું છે ?
પ્રેમની સભરતા.

ચહેરો શું છે ?
ખભા પરની નિશાની.

આંખ શું છે ?
ઊંડા કૂવાનાં કોરાં પાણી.

સંબંધ શું છે ?
ઉઝરડા… ઉઝરડા…

યૌવન શું છે ?
વૃધ્દ્રાવસ્થાની પૂર્વ અવસ્થા.

આવતી કાલ શું છે ?
આજની પ્રતીક્ષા.

માણસ શું છે ?
ભૂખ અને ભિક્ષા.

જીવન શું છે ?
મરણ તરફની ગતિ.

પ્રશ્ર્નો શું છે ?
અનુત્તર ઉત્તરની સ્થિતિ.

- સુરેશ દલાલ