તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે, લે મૂક હથેળીમાં મખમલ, બહુ એકલવાયું લાગે છે. શાયદ મારો ભુક્કો થાશે કે ઢાંચામાં જકડાઈ જઈશ, શું થાશે એ કહેવું ન સરલ, બહુ એકલવાયું લાગે છે. કૂવો બેઠો આતુરતાથી, વરસી ના એકે પનિહારી, સંકોચાતું મરજાદી જલ બહુ એકલવાયું લાગે છે. ઉનાળો લઈને ખોબામાં જંગલ જંગલ ભટક્યા કરવું, બે આંખો ત્યાં ભાળી શીતલ, બહુ એકલવાયું લાગે છે. ખખડાવે ખુલાસાના રસ્તા, શંકાના ભીડેલા દરવાજા, સોંસરવો છે આ કોલાહલ, બહુ એકલવાયું લાગે છે. |