Showing posts with label અમૃત 'ઘાયલ'. Show all posts
Showing posts with label અમૃત 'ઘાયલ'. Show all posts

Monday, May 14, 2007

એક વખત ધોમધખતા ઉનાળામાં પાણીના એક ખાબોચિયા પાસે એક હરણ અને એક હરણીના નિશ્ચેત દેહો પડ્યા હતા. આ દૃશ્ય જંગલમાં ફરી રહેલી બે સખીઓએ જોયું ત્યારે એક સખી બીજી સખીને પૂછે છે:

ખડા ન દીખે પારધી,
લગા ન દીખે બાણ;
મેં પૂછું તોંસે હે સખી,
કિસ બિધ તજે હૈ પ્રાણ.

સખી પૂછે કે આજુબાજુમાં કોઇ શિકારીના સગડ દેખાતા નથી, અને આ હરણાંઓને કોઇ બાણ પણ લાગેલું નથી. હે સખી, હું તને પૂછું છું કે કેવી રીતે તેઓના પ્રાણ ગયા હશે? બીજી સખી બહુ જ ચતુર હતી. વિચારીને આ પ્રમાણે જવાબ આપે છે:

જલ થોડા નેહ ઘણાં,
લગે પ્રીત કે બાણ;
તૂ પી, તૂ પી, કર રહે,
ઈસ બિધ તજે હૈ પ્રાણ.

હરણ અને હરણી ખૂબ જ તરસ્યાં થયાં હતાં. કંઠ સુકાતો હતો પરંતુ આ ખાબોચિયામાં બન્ને પી શકે એટલું પાણી હતું નહીં એટલે હરણ કહે છે કે પ્રિયા ! એ પાણી તું પી, અને હરણી કહે છે કે પ્રિય ! તમે પીઓ. મમતાની અને લાગણીની આ ખેંચતાણ હતી. પોતે પાણીમાં મોઢું નાખે નહીં અને એકબીજાને આંખોથી અને મોઢું હલાવીને આગ્રહ કર્યા કરે અને આમ તું પી, તું પી કરતાં પ્રાણ ખોયા. આમ પ્રણયની વાતમાં બુદ્ધિ પર સ્નેહનો વિજય થયો. આવા સ્નેહની લાગણનો સંજીવની-સ્પર્શ લોહીની લાલીમાં ભળે ત્યારે જીવન ભર્યું ભર્યું લાગે છે. તરસથી હરણના પ્રાણ જવાની ઘટનાને બરકત વીરાણી ‘બેફામ’ આ રીતે વ્યક્ત કરે છે:

હરણને પારધી મારે છે એ તો જાણતો’તો હું;
તરસ એની જ ખુદ હણશે, મને એની ખબર ન્હોતી.

તરસ પોતાને લાગી છે એના કરતાં પોતાના પ્રિય પાત્રને લાગેલી તરસ અને તેમાંથી ઉદભવતી વ્યથાએ હરણના પ્રાણને હરી લીધા છે. આવા પ્રેમી હરણાઓની જેમ, પ્રેમના દીવાનાઓના જીવ મળવાની ધટનાઓ વિરલ હોય છે. અને એ માટે ‘ઘાયલ’ સાહેબ ફરમાવે છે કે:

નથી એમ મળતા અહીં જીવ ‘ઘાયલ’,
પરસ્પર દીવાના જવલ્લે મળે છે.

કેમ ભૂલી ગયા? દટાયો છું,
આ ઈમારતનો હુંય પાયો છું.

હું હજી પૂર્ણ ક્યાં કળાયો છું,
અડધોપડધો જ ઓળખાયો છું.

વિસ્તર્યા વિણ બધેય છાયો છું!
હું અજબ રીતથી ઘવાયો છું!

આમ તો એક બિન્દુ છું કિન્તુ,
સપ્તસિન્ધુથી સંકળાયો છું!

સૂર્યની જેમ સળગ્યો છું વર્ષો,
ચન્દ્રની જેમ ચોડવાયો છું.

વઢ નથી વિપ્ર, આ જનોઈનો,
આમ હું આડેધડ કપાયો છું.

રામ જાણે શું કામ હું જ મને,
સર્પની જેમ વીંટળાયો છું.

એ જ છે પ્રશ્ન: કોણ કોનું છે?
હું ય મારો નથી, પરાયો છું!

સાચું પૂછો તો સત્યના પંથે,
ખોટી વાતોથી દોરવાયો છું!

ઊંચકે કોણ આ પંથ ભૂલ્યાને?
આપ મેળે જ ઊંચકાયો છું.

મીંડું સરવાળે છું છતાં ‘ઘાયલ’,
શૂન્ય કરતાં તો હું સવાયો છું.

શબ્દ લૌકિક હોય છે, અર્થો અલૌકિક હોય છે,
પ્રેમની ભાષા હંમેશાં પારિભાષિક હોય છે.

અશ્રુઓ એની નજરમાં દિવ્ય મૌક્તિક હોય છે,
પ્રેમીઓને મન દુ:ખો પણ પારિતોષક હોય છે.

આત્મને તો આત્મ સમજાવી શકે છે મૌનમાં,
આંતરિક આદેશ લેખિત કે ન મૌખિક હોય છે.

આંખ મળતાં આંખથી અર્પણ કરી બેસે છે ઉર,
ચાહકો સૌંદર્યના સંપૂર્ણ ભાવિક હોય છે.

પ્રેમ-સાગરમાં ભલા શું પૂછવું આધારનું!
નાવ મોજાંઓ અને તોફાન નાવિક હોય છે.

આમજનતા ભોગવે છે વ્યક્તિગત કર્મોનું ફળ,
દંડ પણ કુદરતના ‘ઘાયલ’, સામુદાયિક હોય છે.

હું નથી આ પાર કે તે પારનો,
મુક્ત યાત્રી છું હું પારાવારનો
વૃદ્ધ છું કિન્તુ નીરસ કે જડ નથી
રૂક્ષ છું પણ સ્ત્રોત છું રસધારનો
ભોગ છપ્પન નિત્ય સ્પર્શે છે ચરણ
દેવદુર્લભ થાળ છું કંસારનો
આમ હું આધારને શોધ્યા કરું
આમ હું આધાર છું આધારનો !
હોય વિધ્નો હોય કષ્ટો તોય પણ
પ્રાણ મારા આ મુલક છે પ્યારનો

છે અલકટલકના વિચારો, શું કરું!
સર્પનો માથે છે ભારો, શું કરું!

થાઉં મારો કે તમારો, શું કરું!
ધર્મસંકટ છે પધારો, શું કરું!

જિંદગી શું, મોત પણ દે છે ન સાથ,
લઉં હવે કોનો સહારો, શું કરું!

જેમને શત્રુઓ પણ કીધા ન જાય,
મિત્ર છે એવા હજારો, શું કરું!

ઓસડો ‘ઘાયલ’, કરી જોયાં ઘણાં,
ના થયો સ્વભાવ સારો, શું કરું!

હ્રદય તૂટી ગયું છે પણ હ્રદય-ધબકાર બાકી છે,

ભલે થઇ વારતા પૂરી પરંતુ સાર બાકી છે.


તમે છેડી તો જુઓ સહેજ મુજ ખંડિત હ્રદય-વીણા,
તૂટેલા તાર માંહે પણ કંઇ ઝણકાર બાકી છે.


ગમે ત્યારે જીવનમાં નવજીવન લાવી શકું છું હું,
હજુ તો લોહીમાં મારા જીવન-ધબકાર બાકી છે.


મહતા છે જીવનને સંકટોથી પાર કરવામાં,
ભલે તોફાન બાકી છે, ભલે મઝધાર બાકી છે.


મને જો કળ વળી તો વિશ્વ જોશે ઉડ્ડયન મારું,
ફફડતી પાંખમાં મુજ શક્તિનો ભંડાર બાકી છે.


જવાનીના પૂરા બે શ્વાસ પણ લીધા છે કયાં ‘ઘાયલ’,
હજુ કંઇ ત્યાગ બાકી છે, હજુ સ્વીકાર બાકી છે.

એવી જ છે ઈચ્છા તો મેં આ ઘૂંટ ભર્યો, લે !
છોડ્યો જ હતો કિન્તુ ફરી મીઠો કર્યો, લે !


લઈ પાંખ મહીં એને ઊગારી લે પવનથી,
સળગે છે હજુ દીપ નથી સાવ ઠર્યો, લે !


તક આવી નિમજ્જનની પછીથી તો ક્યાં મળે
લે આંખ કરી બંધ અતિ ઊંડે સર્યો, લે !


મરવાની અણી પર છું છતાં જીવી શકું છું,
સંદેહ તને હોય તો આ પડખું ફર્યો, લે !


સાચે જ તમાચાઓથી ટેવાઈ ગયો છું,
અજમાવવો છે હાથ તો આ ગાલ ધર્યો, લે !


કેમે ય કરી ડૂબ્યો નહિ જીવ અમારો
ડૂબ્યો તો ફરી થઈ અને પરપોટો તર્યો, લે !


'ઘાયલ'ને પ્રભુ જાણે ગયું કોણ ઉગારી,
મૃત્યુ ય ગયું સૂંઘી પરંતુ ન મર્યો, લે !

જેમ ખરે છે ફુલ ખીલીને એમ અમે ખીલીને ખરવાના,
હસતે મુખે જીવન જીવવાના, હસ્તે મુખે મ્રુત્યુ મરવાના,

સાવ નવું અવતરવા માટે સાવ નવું મ્રુત્યુ મરવાના,
પ્રેમ સમંદરમાં ડૂબીને, પ્રેમ સમંદરમાં તરવાના.

આંસુ નથી ઊનાં રડવાના આહ નથી કંઠી ભરવાના,
જીવ વિરહમાં જાય ભલે ,ફરિયાદ નથી કોદિ કરવાના.

યાદ કરીને તમને હસીશું દિલના દરદને લપટી રડીશું,
રીત હજારો છે જીવનની, ઢંગ હજારો છે મરવાના.

છોડને એય દિલ આશ મિલનની,છોને ખુવારી હો તનમનની,
પરવા નથી કરતાં જીવનની , જ્યોત ઉપર બળતા પરવાના.

આંખથી આંસુ જાય વળી શું આ ભેદ ખુલ્લો થાય વળીશું,
માલમતા છે એ તો જીવનની ,દિલમાં અમે એ સંઘરવાના.

મોત ભલેને આવે છતાં આશાઓ નથી મરનાર હ્રુદયની
આંધી ભલેને લાખ ઊઠે ,એ દીપ નથી ઠાર્યા ઠરવાના.

ઝખ્મ હ્રુદયનાં ઝખ્મ નથી કઇં દાગ જિગરના દાગ નથી કઇં,
સ્વર્ગ મહીં જાવાના એતો ,કોઇએ આપ્યા છે પરવાના.

જ્યોત જડી જાશે ઝળહળતી દૂર થશે તિમિર જીવનથી,
કોડ પ્રથમ પયદા કર "ઘાયલ", તેજ જીવન પર પાથરવાના.

ગુજારવા છે જુલમ પણ જુલમ નથી મળતા,
સિતમગરો છે ફિકરમાં સિતમ નથી મળતા.

નિયમ વિરુદ્ધ જગતનાં ય ગમ નથી મળતા,
કે આંસુ ઠંડાઃ નિસાસા ગરમ નથી મળતા.

મળે છે વર્ષો પછી એકદમ નથી મળતા,
મલમ તો શું કે સહેજે જખમ નથી મળતા.

વિચારું છું કે મહોબ્બત તજી દઉં કિન્તુ -
ફરી ફરી અહીં માનવ જીવન નથી મળતા.

ઠગે છે મિત્ર બની,કોઇ માર્ગદર્શક બની,
જીવન સફર માં ઠગારા ય કમ નથી મળતા.

હમેશા ક્યાંથી નવા લાવું, વિઘ્નસંતોષી!
કે કંટકો તો મળે છે, કદમ નથી મળતા.

સુખોની સાથે સરી જાય છે બધા સ્નેહી,
પડે છે ભીડ તો ખાવા કસમ નથી મળતા.

સિલકમાં હોય ભલે પૂરતી છતાં "ઘાયલ"
ચડતી રાજાના સહેજે હુકુમ નથી મળતા.

નથી બીજું કમાયા કૈં જીવનની એ કમાઈ છે,
અમારે મન જીવનમૂડી અમારી માણસાઈ છે.

નજર એક વાર શું કંઈ વાર જગતમા છેતરાઈ છે,
છતાં છોડી નથી શકતી ન જાણે શી સગાઈ છે !

નથી ઊકેલવી રહેલી અલકલટની સમસ્યાઓ,
હ્રુદય પણ ગૂંચવાયું છે,નજર પણ ગૂંચવાઈ છે.

ન દિલ મારું, ન આ દુનિયા,ન ગમ મારો ખુશી મારી,
મળી છે જિન્દગાની એ ય પણ થાપણ પરાઈ છે.

ગલત જીવન,ગલત આશા,ગલત સંસારની માયા,
અમારી સાથે આ કેવી પ્રભુ તારી ઠગાઈ છે ?

જખમને એમ દિલમાં સંઘરી બેઠા છે દીવાના,
જીવન-નિર્વાહનું જાણે સાધન છે, જિવાઈ છે.

ફના જો સાથ દેશે તો ઝલક એની બતાવીશું,
અમારી આ ફકીરી પણ અમીરીથી સવાઈ છે.

અમારે આશકોને દોસ્ત,આશા શું?નિરાશા શું?
ભલે લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે.

જ્યાં સુધી આ રેહશે દેહ,
ત્યાં સુધી ખમવાના રેહ.

હસ્તી આંખલડીમાં નેહ,
એટલે તડકે તડકે મેહ.

આદર વિણ શું જાવું ગેહ ?
છો વરસે મોતીનાં મેહ.

અશ્રુ ઊનાં કેમ ન લાગે ?
હૈયામાં સળગે છે ચેહ.

છેતરપીંડી એ પણ કેવી ?
હાથ દે છે હૈયાને છેહ.

દ્રષ્ટિ શક્તિ,મન સંકુચિત,
છીછરા સ્નેહી, છીછરો સ્નેહ.

માનું છું હું ખેલદિલીમાં,
જોતો નથી હું હાર ફત્તેહ.

એમ દબાઇ જાય એ બીજા,
કાળ છો આપ મોતની શેહ.

એમ નહી પડે "ઘાયલ"
પડતાં પડતાં પડશે દેહ.

હજાર શાંતિ હો સંગ્રામ કરી જાય છે,
સમય સમયનુ સદા કામ કરી જાય છે.

મુસીબતો મહીં જે કામ કરી જાય છે,
તમારા સમ, એ જગે નામ કરી જાય છે.

કરો જો પ્રેમ કોઈથી તો વિચારી કરજો,
એ નેકનામને બદનામ કરી જાય છે.

નજર મિલાવી શકે કોણ ભલા રૂપ થકી,
અમારું દિલ છે કે એ હામ કરી જાય છે.

ભલા શું પૂંછવૂં પ્રેમી ના બલીદાન તણું,
જવાની કેરું એ લીલામ કરી જાય છે.

મને તો જંપવા દેતું નથી હતભાગી હ્રુદય,
વ્યથા જો ભૂલથી આરામ કરી જાય છે.

સિવાય ઈશ કહો એનું કરે કોણ પૂરું
જે ખાલી ઘૂટ મહીં જામ કરી જાય છે.

તમે નિહાળી નથી વીજ નિરાશા કેરી,
એ ભસ્મીભૂત કઈં ધામ કરી જાય છે.

જમાનો કાલ હશે મારા ચરણમાં "ઘાયલ",
દમન છો આજ એ બેફામ કરી જાય છે.

દશા મારી અનોખો લય અનોખો તાલ રાખ છે,
કે મુજને મુફલીસીમાં પન માલામાલ રાખે છે.

નથી એ રાખતા કૈ ખ્યાલ મારો કેમ કહેવાયે,
નથી એ રાખતા તો કોણ મારો ખ્યાલ રાખે છે?

મથે છે આંબવા કિન્તુ મરણ આંબી નથી શકતુ,
મને લાગે છે મારો જીવ ઝદપિ ચાલ રાખે છે.

જમાનો કોણ જાણે વેર વાળે છે ક્યા ભવનુ?
મલે છે બે દિલો ત્ય મધ્યમા દીવાલ રાખે છે.

જીવન નુ પુછતા હો તો જીવન છે ઝેર "ઘાયલ"નું,
છતા હિમ્મત જુઓ ક નામ અમૃતલાલ રાખે છે.

રંગમાં આવીને એવો રંગ લાવી જાઉં છું,
ગુલ કદી ખીલ્યાં ન હો એવાં ખિલાવી જાઉં છું.

મૌનમાં ક્યારેક વાતો કંઇ સુણાવી જાઉં છું,
વાતમાં કયારેક મર્મો કંઇ છુપાવી જાઉં છું.

ગૌણ છે મારી નજરમાં મિત્રના અવગુણ બધા,
પુષ્પ નજદીક હું કંટક હટાવી જાઉં છું.

તુજ મિલનમાં પણ ખરે મુજને મજા મળતી નથી,
એ જુદી છે વાત કે મનને મનાવી જાઉં છું.

હે જીવન-કડવાશ, મુજને તું નહી મારી શકે!
ઝેર જેવા ઝેરને પણ હું પચાવી જાઉં છું.

કોણ કે’છે ભાન કંઇ રહેતુ નથી પીધા પછી?
બા’ર પીને હું બરાબર ઘેર આવી જાઉં છું.

કાલ ‘ઘાયલ’, છેહ દેવાના મને તેઓ જરૂર.
આજ તો જો કે ઘણા મિત્રો બનાવી જાઉં છું.

હું નથી આ પાર કે તે પારનો,
મુક્ત યાત્રી છું હું પારાવારનો
વૃદ્ધ છું કિન્તુ નીરસ કે જડ નથી
રૂક્ષ છું પણ સ્ત્રોત છું રસધારનો
ભોગ છપ્પન નિત્ય સ્પર્શે છે ચરણ
દેવદુર્લભ થાળ છું કંસારનો
આમ હું આધારને શોધ્યા કરું
આમ હું આધાર છું આધારનો !
હોય વિધ્નો હોય કષ્ટો તોય પણ
પ્રાણ મારા આ મુલક છે પ્યારનો

ઉલ્લાસની ઉમંગની અથવા વિષાદની,
ફરિયાદની હો વાત, કે હો વાત યાદની;
થાતી નથી મુરખને કોઇ વાતની અસર,
કડછીને ‘જાણ’ હોતી નથી રસની, સ્વાદની.


તારાં સ્મરણો ભીની ખુશ્બો
મારું અંતર બળતો ધૂપ.


દશા મારી અનોખો લય, અનોખો તાલ રાખે છે
મને તો મુફલીસીમાં પણ એ માલામાલ રાખે છે.

જીવનનું પૂછતા હો તો જીવન છે ઝેર ‘ઘાયલ’નું
છતાં હિમ્મત જુઓ , એ નામ ‘અમૃતલાલ’ રાખે છે.


સખાતે બેસહારાની સહારા દોડતા આવ્યા,

જીગરથી ઝંપ્‍લાવ્યું તો કિનારા દોડતા આવ્યા,

વ્યવસ્થા એમને માટે ભલા હોય શી કરવાની,

હતા મહેમાન એવા કે, ઉતારા દોડતા આવ્યા.





હવે પ્રિત ની રીત સમજાઇ છે કઇં,

હવે રીતસરની મજા લઇ રહયો છું.

હવા લીમડાની સતાવે છે ઘાયલ,

કબરમાંયે ઘરની મજા લઇ રહયો છું.


એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે,
શું એમ કોઈનાય માર્યા મરી જવાના !


પીડા મહીં પણ એમ હસું છું,
જાણે ગયો છે રોગ સમૂળ.



કોઈ પરખંદો જ ‘ઘાયલ’ પેખશે,
વેદજૂની વેદનાની વાણ છું.

એવી જ છે ઈચ્છા તો મેં આ ઘૂંટ ભર્યો, લે !
છોડ્યો જ હતો કિન્તુ ફરી મીઠો કર્યો, લે !


લઈ પાંખ મહીં એને ઊગારી લે પવનથી,
સળગે છે હજુ દીપ નથી સાવ ઠર્યો, લે !


તક આવી નિમજ્જનની પછીથી તો ક્યાં મળે
લે આંખ કરી બંધ અતિ ઊંડે સર્યો, લે !


મરવાની અણી પર છું છતાં જીવી શકું છું,
સંદેહ તને હોય તો આ પડખું ફર્યો, લે !


સાચે જ તમાચાઓથી ટેવાઈ ગયો છું,
અજમાવવો છે હાથ તો આ ગાલ ધર્યો, લે !


કેમે ય કરી ડૂબ્યો નહિ જીવ અમારો
ડૂબ્યો તો ફરી થઈ અને પરપોટો તર્યો, લે !


'ઘાયલ'ને પ્રભુ જાણે ગયું કોણ ઉગારી,
મૃત્યુ ય ગયું સૂંઘી પરંતુ ન મર્યો, લે !

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મુંઝાઇ મનમાં, મરી જવાના !

કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના ?
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના.

એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે.
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.

સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ !
દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના.

અય કાળ, કંઇ નથી ભય, તું થાય તે કરી લે
ઇશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના ?

અમુક વાતો હ્રુદયની બા’ર હું લાવી નથી શકતો,
કઈં અશ્રુઓ એવા છે કે ટપકાવી નથી શકતો.

કોઇને રાવ કે ફરિયાદ સંભળાવી નથી શકતો,
પડી છે બેડીયો એવી કે ખખડાવી નથી શકતો.

કળી ઉરની હું વિકસાવી કે કરમાવી નથી શકતો,
જીવન પામી નથી શકતો, મરણ લાવી નથી શકતો.

કોઈપણ દ્રુશ્યથી દિલને હું બેહલાવી નથી શકતો,
હજારો રંગ છે પણ રંગ માં આવી નથી શકતો.

ન જાણે સાનમાં શી વાત સમજાવી ગયુ કોઈ,
હું સમજુ છું છતા શબ્દોમાં સમજાવી નથી શકતો.

ન રડવાની કસમ ઉપર કસમ એ જાય છે આપ્યે,
ઊમટતા જાય છે અશ્રુ, હું અટકાવી નથી શકતો.

નિરંતર પાય છે કોઈ, નિરંતર પિઉં છું મદિરા,
પરંતુ જામ સાથે જામ ટકરાવી નથી શકતો.

નથી સમજાતુ આ છે મનની નિર્બલતા કે પરવશતા,
કદી પિધા વિના હું રંગમાં આવી નથી શકતો.

મુસીબત માંહે ખુદ્દારી મુસીબતની મુસીબત છે,
દુઆઓ હોઠ પર છે, હાથ લંબાવી નથી શકતો.

જીવન હો કે મરણ હો, કોઇ હો,એને કહી દે દિલ
કે “ઘાયલ” પી રહ્યો છે જાવ - એ આવી નથી શકતો.

શબ્દ લૌકિક હોય છે, અર્થો અલૌકિક હોય છે,

પ્રેમની ભાષા હંમેશાં પારિભાષિક હોય છે.


અશ્રુઓ એની નજરમાં દિવ્ય મૌક્તિક હોય છે,

પ્રેમીઓને મન દુ:ખો પણ પારિતોષક હોય છે.


આત્મને તો આત્મ સમજાવી શકે છે મૌનમાં,

આંતરિક આદેશ લેખિત કે ન મૌખિક હોય છે.


આંખ મળતાં આંખથી અર્પણ કરી બેસે છે ઉર,

ચાહકો સૌંદર્યના સંપૂર્ણ ભાવિક હોય છે.


પ્રેમ-સાગરમાં ભલા શું પૂછવું આધારનું!

નાવ મોજાંઓ અને તોફાન નાવિક હોય છે.


આમજનતા ભોગવે છે વ્યક્તિગત કર્મોનું ફળ,

દંડ પણ કુદરતના ‘ઘાયલ’, સામુદાયિક હોય છે.