Showing posts with label ગની દહીંવાલા. Show all posts
Showing posts with label ગની દહીંવાલા. Show all posts

Friday, August 10, 2007

જીવનમાં કઈ કમી છે, શી કમી છે આપને નહીં કહું,
રહીને દૂર મારા પર વરસતા શાપને નહીં કહું.

અતિથી બે હતા પણ એકને આપી દીધી રૂખ્સદ,
ખુશીને તો કહ્યું જાવા, હવે સંતાપને નહીં કહું.

કે દીઠો દંભ ભક્તિમાં ને સાદાઇ ગુનાહોમાં,
કુરૂપ છે પુણ્ય, એ મારા રુપાળા પાપને નહીં કહું.

અરીસો હોય કદરૂપો તો કદરૂપી છબી ઉપસે,
છતા કંઇ આપ પર મારા વિષેની છાપ નહીં કહું.

સ્મરણ હો કે હવે પ્રત્યક્ષ હો સાનિધ્ય સરખું છે,
પરસ્પર ભિન્ન હું આપણા મેળાપને નહીં કહું.

ધખે છે સુર્ય જે નભમાં પ્રકટશે ચન્દ્ર ત્યાં શીતળ્,
કદી સ્થાયી જીવનમાં જીરવેલા તાપને નહીં કહું.

"ગની" સ્વરમાં રહી ગાયું જીવનનું ગીત પણ અંતે
થયુ કોલાહલે ગૂમ, ભેદ એ આલાપને નહીં કહું.

Friday, July 20, 2007

સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ,
ચાલ મજાની આંબાવાડી! આવળબાવળ રમીએ.

બાળસહજ હોડી જેવું કંઈ કાગળ કાગળ રમીએ,
પાછળ વહેતું આવે જીવન, આગળ આગળ રમીએ.

માંદા મનને દઈએ મોટું માદળિયું પહેરાવી,
બાધાને પણ બાધ ન આવે, શ્રીફળ શ્રીફળ રમીએ.

તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં,
છળના રણમાં છાનામાના મૃગજળ મૃગજળ રમીએ.

હોય હકીકત હતભાગી તો સંઘરીએ સ્વપ્નાંઓ,
પ્રારબ્ધી પથ્થરની સાથે પોકળ પોકળ રમીએ.

ફરફર ઊડતું રાખી પવને પાન સરીખું પહેરણ,
મર્મર સરખા પારાવારે ખળખળ ખળખળ રમીએ.

હુંય ગની, નીકળ્યો છું લઈને આખોપાખો સૂરજ,
અડધીપડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ.

Saturday, May 12, 2007

દિવસો જુદાઇના જાય છે, એ જશે જરૂર મિલન સુધી,
મને હાથ ઝાલીને લઇ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.

ન ધરા સુધી, ન ગગન સુધી, નહિ ઉન્નતિ, ન પતન સુધી,
અહીં આપણે તો જવું હતું, ફક્ત એકમેકના મન સુધી.

હજી પાથરી ન શક્યું સુમન, પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.

છે અજબ પ્રકારની જિંદગી ! કહો એને પ્યારની જિંદગી,
ન રહી શકાય જીવ્યા વિના ! ન ટકી શકાય જીવન સુધી.

તમે રાંકનાં છો રતન સમાં, ન મળો, હે અશ્રુઓ, ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી, તો હ્રદયથી જાઓ નયન સુધી.

તમે રાજરાણીના ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઇએ જીવન સુધી.

જો હ્રદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઇશ્વરે જ કૃપા કરી,
કોઇ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.

તમારાં અહીં આજ પગલાં થવાનાં

તમારાં અહીં આજ પગલાં થવાનાં,
ચમનમાં બધાને ખબર થૈ ગઇ છે.
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,
ફૂલોનીય નીચી નજર થૈ ગઇ છે.

શરમનો કરી ડોળ સઘળું જુએ છે
કળી પાંદડીઓના પડદે રહીને,
ખરું જો કહી દઉં તો વાતાવરણ પર
તમારાં નયનની અસર થૈ ગઇ છે.

બધી રાત લોહીનું પાણી કરીને
બિછાવી છે મોતીની સેજો ઉષાએ,
પધારો કે આજે ચમનની યુવાની
બધાં સાધનોથી સભર થૈ ગઇ છે.

હરીફોય મેદાન છોડી ગયા છે
નિહાળીને કીકી તમારાં નયનની,
મહેકંત કોમળ ગુલાબોની કાયા
ભ્રમર – ડંખથી બેફિકર થૈ ગઇ છે.

પરિમલની સાથે ગળે હાથ નાખી -
કરે છે અનિલ છેડતી કૂંપળોની,
ગજબની ઘડી છે તે પ્રત્યેક વસ્તુ,
પુરાણા મલાજાથી પર થૈ ગઇ છે.

ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન,
કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે,
તમે જો ન હો તો બધા કહી ઊઠે કે;
વિધાતાથી કોઇ કસર થૈ ગઇ છે.

‘ગની’, કલ્પનાનું જગત પણ છે કેવું,
કે આવી રહી છે મને મારી ઇર્ષ્યા !
ઘણી વાર આ જર્જરિત જગમાં રહીને,
ઘણી જન્નતોમાં સફર થૈ ગઇ છે.