અણુશક્તિની બોલબાલાના સોગન, ગજબની જમાનેય હિંમત કરી છે; કરી છે નવી શોધ આફતની જગમાં, કયામતની પહેલાં કયામત કરી છે.
જીવન સ્વપ્ન છે એ જ જૂનાં પરંતુ, નવેસરથી એવી મરામત કરી છે; શિકલ બદલી ગઈ છે આ ખંડેર કેરી- તમે પણ કહેશો કરામત કરી છે.
ઉપેક્ષા નથી ક્યારે પણ એની કીધી, અમે સૌ અવસ્થાની ઈજ્જત કરી છે; શરાબીની યૌવનમાં સોબત કરી છે- ફકીરોની ઘડપણમાં ખિદમત કરી છે.
કસમ ઘેલછાના, જીવનમાં કદાપિ નથી પાછી પાની કરી કોઈ પંથે; મહોબત કહો તો મહોબત કરી છે- બગાવત કહો તો બગાવત કરી છે.
જુવાનીના દિવસો એ રંગીન રાતો, ખુવારી મહીં એ ખુમારીની વાતો; સદીઓ અમે બાદશાહી કરી છે- હકૂમત વિના પણ હકૂમત કરી છે.
કહો દંભીઓને કે સમજાવે એને, કંઈ બંડ પાછું ન પોકારી બેસે. કગે છે જવાનોએ ચોંકાવનારી; ફરી એકઠી કંઈ હકીકત કરી છે.
મુબારક તમોને ગુલોની જવાની, અમોને ન તોલો તણખલાની તોલે! અમે એ જ બુલબુલ છીએ જેમણે આ ચમનની હંમેશા હિફાજત કરી છે.
નથી કોઈ પણ મેળના ભાગ્યે રાખ્યા, રહ્યા છે હવે ભાગ્યમાં માત્ર ફેરા; અમે એમ ભટકી રહ્યા છીએ જ્યાં-ત્યાં, વતનમાંથી જાણે કે હિજરત કરી છે.
અવર તો અવર પણ કદરદાન મિત્રોય, રાખે છે વર્તાવ એવો અમોથી; પરાયા વતનમાં અમે આવી જાણે, ફિરંગીની પેઠે વસાહત કરી છે.
પરાયા પસીનાનો પૈસો છે, 'ઘાયલ', કરે કેમ ના પુણ્ય પાણીની પેઠે! કે દાનેશ્વરીએ સખાવતથી ઝાઝી, દલિતોની દોલત ઉચાપત કરી છે. |