કોઈ દિવસ ઢાઈ અક્ષર ક્યાં લખે ઈ-મેલમાં, દુનિયાભરના વાયરસ એ મોકલે ઈ-મેલમાં. ખાનગી વાતો બધી કરતા રહે એ ફોરવર્ડ, બેવફાઈને નવો રસ્તો મળે ઈ-મેલમાં. હોટ મેલે મળશે અથવા મળશે યાહૂ ડોટ પર, મોટા ભાગે બે જ સરનામા હશે ઈ-મેલમાં. જોતજોતામાં પડછાયા દિગંબર થૈ જતા, ક્લિક કરો ને આવરણ સૌ ઊતરે ઈ-મેલમાં. રાતદિવસ અક્ષરો ઘૂંટાય છે કી બોર્ડ પર, સ્પર્શ એના ટેરવાંઓનો હશે ઈ-મેલમાં. હા વતનની ધૂળ ખાવા જાઉં પાછો દોસ્તો, પ્લેનની જ્યારે ટિકિટ સસ્તી મળે ઈ-મેલમાં. જોતજોતામાં ગઝલ ઈ-મેલની આવી ચડી, બેઠા બેઠા મોકલું તેને બધે ઈ-મેલમાં. શું કરી શકીએ પછી આદિલ જો સરવર ડાઉન હો? કાગળો હાથે લખ્યા ક્યાં જૈ શકે ઈ-મેલમાં?! |