Monday, May 14, 2007

લાવ્યા છે કોણ જાણે કોને વિચાર આજે!

વાગે છે ઉરમાં ઝીણી ઝીણી સિતાર આજે.


લાવ્યો છું એની આંખોમાંથી ખુમાર આજે.

આવો, જીવન-મરણનો સમજાવું સાર આજે.


અંતરની રૂપરેખા આંખોમાં તરવરે છે,

તાદૅશ્ય છે, નજરમાં જીવન-ચિતાર આજે.


કાલે વિચાર મારા જીવન બની રહેશે,

છોને બની રહ્યું છે જીવન વિચાર આજે.


જીવન તરી રહ્યું છે મદિરાની મોજ માંહે,

પ્યાલામાં જોઉં છું હું મારો ઉગાર આજે.


આ પંથ પણ જીવનનો ‘ઘાયલ’ બહુ વિકટ છે,

કરવા પડે છે ડગલે પગલે વિચાર આજે.