શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે એ પ્રેમ છે, આશનો અવકાશ જ્યાં પણ શૂન્ય છે એ પ્રેમ છે.
હક, અપેક્ષા, શક, અહમ્ ના પંક ની વચ્ચેથી કોઈ, પદ્મ સમ નિર્મળ અગર ખીલી શકે એ પ્રેમ છે.
બેકરારી વસ્લ માં, પીડા વિરહ માં કત્લની, એટલું સમજી શકો કે કેમ છે એ પ્રેમ છે.
‘તું નથી’ ની વાસ્તવિક્તા કષ્ટ દેતી બંધ થઈ, શ્વાસમાં, ઉચ્છવાસ માં બસ, તું વહે એ પ્રેમ છે.
બાદબાકી તુજ ની, તારાં સ્પર્શ, યાદો, સાથની, શેષ મારામાં પછી જે પણ બચે એ પ્રેમ છે.
શબ્દ થઈ મુજ શ્વાસ માં બસ તું સદા વહેતી રહે, આ ગઝલ શબ્દો નથી કંઈ, આ જે છે એ પ્રેમ છે.
રાત આખી બેકરારી થઈ મને ડંસતી રહે, ને સવારે શબ્દ થઈ ચૂમે મને એ પ્રેમ છે. |