તમારું સ્મિત બની લહેરાઇ જાવાનું મને ગમશે, તમારાં આંસુ થઇ લૂંછાઇ જવાનું મને ગમશે.
તમારી શેરીમાં આવીને પહેલા જોઇ લઉં તમને, ગમે ત્યાં એ પછી ફંટાઇ જાવાનું મને ગમશે.
જગતમાં એમ તો હું ક્યાંય રોકાતો નથી કિન્તુ, તમે જો રોકશો, રોકાઇ જાવાનું મને ગમશે.
પ્રતિબિંબો તમારાં જો ન દેખાડી શકું તમને, તો દર્પણ છું છતાં તરડાઇ જાવાનુ મને ગમશે.
જગતમાં હું તો મોટા માનવીના નામ જેવો છું, કોઇ પાષાણમાં અંકાઇ જાવાનું મને ગમશે.
તમે રડશો છતાં દફનાઇ જાવાનું જ છે ‘બેફામ’, પરંતુ હસશો તો દફનાઇ જાવાનું મને ગમશે. |