ભેટે ઝૂલે છે તલવાર વીરાજી કેરી ભેટે ઝૂલે રે. ભીંતે ઝૂએ છે તલવાર બાપુજી કેરી ભીંતે ઝૂલે રે. મારા બાપુને, બે'ન બે બે કુંવરિયા બે વચ્ચે પાડયા છે ભાગ: હાં રે બે'ની બે વચ્ચે પાડ્યા છે ભાગ વીરાજી કેરી ભેટે ઝુલે રે. મોટે માગી છે મો'લ મે'લાતો વાડીઓ નાને માંગી છે તલવાર - વીરાજી. મોટો મા'લે છે મો'લ મેડીની સાયબી નાનો ખેલે છે શિકાર - વીરાજી. મોટો ચડિયો છે કાંઈ હાથી-અંબાડીએ નાનેરો ઘોડો અસવાર - વીરાજી. મોટો કાઢે છે રોજ કાવા કસૂંબલા નાનેરો ઘૂમે ઘમસાણ - વીરાજી મોટો પોઢે છે લાલ રંગીલે ઢોલિયે નાનો ડુંગરડાની ધાર - વીરાજી મોટો મઢાવે વેઢે વીંટીને હારલા નાનો સજાવે તલવાર - વીરાજી. મોટાને સોહે હીર-જરિયાની આંગડી નાનાને ગેંડાની ઢાલ - વીરજી મોટો સંતાય સુણી શત્રુના રીડિયા નાનેરો દ્યે છે પડકાર - વીરાજી મોટો ભાગ્યો છે સેન શત્રુનાં ભાળતા નાનેરો ઝીંકે છે ઘાવ - વીરાજી. મોટે રે માડી, તારી કૂખો લજાવી નાને ઉજાળ્યા અવતાર - વીરજી. મોટાનાં મોત ચાર ડાઘુડે જાણિયાં નાનાની ખાંભી પૂજાય - વીરાજી. ભેટે ઝૂલે છે તલવાર વીરાજી કેરી ભેટે ઝૂલે રે ભીંતે ઝૂલે છે તલવાર બાપુજી કેરી ભીંતે ઝૂલે રે. |