માંગું અગર હવા ય તો કહેશે કે તાણ છે, દુનિયાથી મારે સાવ નવી ઓળખાણ છે.
શબ્દો છે શ્વાસ મારા અને કાવ્ય પ્રાણ છે, ચારેતરફ આ લોહીમાં અક્ષરની આણ છે.
સિદ્ધાર્થમાંથી હર ક્ષણે ગૌતમ બનું છું હું, લોહીનું શબ્દે-શબ્દે કલમમાં પ્રયાણ છે.
ઇંદ્રિયના આ ઢોરને કાબૂમાં કરશો કેમ? દરવાજા છોને બંધ હો, ખુલ્લી ગમાણ છે.
અણઆવડતનું બહાનું હવે કેમ કાઢશો? ઊભા છો જ્યાં આ પાણી તો ઢીંચણસમાણ છે.
બોલે જો હોઠ જૂઠું, સીધું આંખમાં જુઓ, વર્ષો જૂનો ઇલાજ છે પણ રામબાણ છે.
બે-ચાર શ્વાસ સુધીની તકલીફ છે બધી, આગળ પછી આ રસ્તામાં સીધું ચઢાણ છે. |