શ્રી કૃષ્ણ દવે નુ એક કટાક્ષ કાવ્ય…
તમને જરૂર છે ટેકાની ભાઇ મારા અમને જરૂર છે કેશની (રોકડા ની) ! હાલો પથ્થારી ફેરવીએ દેશની !
છ મહિના હાલે તો ગંગાજી નાહ્યા આ વર્ષોની વાર્તાયું મેલો સાત પેઢી નિરાંતે બેસીને ખાય બસ એટલો જ ભરવો છે થેલો દો’વા દે ત્યાં લગી જ આરતીયું ઊતરે છે કાળી ડિબાંગ આ ભેંશની હાલો પથ્થારી ફેરવીએ દેશની !
ફાઇલોના પારેવા ઘૂં ઘૂં કરે છે હવે ચોકમાં દાણા તો નાખો ગમ્મે તે કામ કરો અમને ક્યાં વાંધો છે ? પણ આપણા પચાસ ટકા રાખો ચૂલે બળેલ કૈંક ડોશીયુંનાં નામ પર આપી દ્યો એજન્સી ગેસની હાલો પથ્થારી ફેરવીએ દેશની !
દેકારા, પડકારા, હોબાળા, રોજેરોજ વાગે છે નીત નવાં ઢોલ જેને જે સોંપાશે એવો ને એવો અહીં અદ્દલ ભજવશે ઇ રોલ નાટકની કંપનીયું – ઇર્ષ્યા કરે ને – ભલે આપણે ત્યાં ભજવાતા વેશની હાલો પથ્થારી ફેરવીએ દેશની ! |