Monday, May 14, 2007

રંગમાં આવીને એવો રંગ લાવી જાઉં છું,
ગુલ કદી ખીલ્યાં ન હો એવાં ખિલાવી જાઉં છું.

મૌનમાં ક્યારેક વાતો કંઇ સુણાવી જાઉં છું,
વાતમાં કયારેક મર્મો કંઇ છુપાવી જાઉં છું.

ગૌણ છે મારી નજરમાં મિત્રના અવગુણ બધા,
પુષ્પ નજદીક હું કંટક હટાવી જાઉં છું.

તુજ મિલનમાં પણ ખરે મુજને મજા મળતી નથી,
એ જુદી છે વાત કે મનને મનાવી જાઉં છું.

હે જીવન-કડવાશ, મુજને તું નહી મારી શકે!
ઝેર જેવા ઝેરને પણ હું પચાવી જાઉં છું.

કોણ કે’છે ભાન કંઇ રહેતુ નથી પીધા પછી?
બા’ર પીને હું બરાબર ઘેર આવી જાઉં છું.

કાલ ‘ઘાયલ’, છેહ દેવાના મને તેઓ જરૂર.
આજ તો જો કે ઘણા મિત્રો બનાવી જાઉં છું.