Monday, May 14, 2007

પ્રણયમા જવાની નિચોવાઇ જાશે
હવે હસતાં હસતાં ય રોવાઇ જાશે.

ન રહેશે હવે હાથ હૈયું ન રહેશે,
એ મોતી નથી કે પરોવાઇ જાશે.

નયન સાથ રમવા ન એને જવાદો
હ્રદય સાવ બાળક છે ખોવાઇ જાશે.

મરણને કહો પગ ઉપાડે ઝડપથી,
નહીં તો હવે શ્વાસ ઠોવાઇ જાશે.

સિધાવો, ન ચિંતા કરો આપ એની !
કાંઇ કામમાં મન પરોવાઇ જાશે.

કદી દાનની વાત ઉચ્ચારશો મા
કર્યું કારવ્યું નહી તો ધોવાઇ જાશે.

નિહાળ્યા કરો જે કંઇ થાય છે તે
વિચારો નહિં, મન વલોવાઇ જાશે.

વગોવે ભલે મિત્રો ‘ઘાયલ’ વગોવે !
હતું નામ શું કે વગોવાઇ જાશે ?