Monday, May 14, 2007

હું કદી વીજની જેમ દેખાઉં છું,
હું ય સરસીજની જેમ દેખાઉં છું,
નીરખે છે મને લોક ભેગા થઈ,
હું ય આ બીજની જેમ દેખાઉં છું.

અશ્રૂ ભાળૂં તો અશ્રૂ સારું છું,
રંગ જોઈને રૂપ ધારું છું;
સૌ વિચારે છે પોતપોતાનું,
હું બધાના વતી વિચારું છું.

રંગ લાગ્યો છે ભલે સંગ તણો,
રંજ એ વાતનો તલભાર નથી
તું નિરંજન'ને નિરાકાર હશે,
હું નિરંજન કે નિરાકાર નથી.

વંચિત વધુ રહીશ સુરાથી તો માનજે,
માર્યો તરસનો મૂર્તસુરાલય બની જઈશ,
ઓ કાળ, ફાવશે નહીં હંફાવી તું મને,
હું જો થયો હતાશ, હિમાલય બની જઈશ.


જતાં પહેલાં

એક બીજી નિગાહ કરતાં જાવ,
દિલની દુનિયા તબાહ કરતા જાવ,
શી જરૂર છે આશાની ય હવે-
નષ્ટ આરામગાહ કરતા જાવ.

રંગીન મોસમ

આંખમાં રસ, શ્વાસમાં ફોરામ હતી,
વાત કંઈ હર વાતમાં મોઘમ હતી;
જીંદગી કે હારી બેઠા જે અમે-
કેટલી રંગીન એ મોસમ હતી.