Monday, May 14, 2007

શબ્દ લૌકિક હોય છે, અર્થો અલૌકિક હોય છે,
પ્રેમની ભાષા હંમેશાં પારિભાષિક હોય છે.

અશ્રુઓ એની નજરમાં દિવ્ય મૌક્તિક હોય છે,
પ્રેમીઓને મન દુ:ખો પણ પારિતોષક હોય છે.

આત્મને તો આત્મ સમજાવી શકે છે મૌનમાં,
આંતરિક આદેશ લેખિત કે ન મૌખિક હોય છે.

આંખ મળતાં આંખથી અર્પણ કરી બેસે છે ઉર,
ચાહકો સૌંદર્યના સંપૂર્ણ ભાવિક હોય છે.

પ્રેમ-સાગરમાં ભલા શું પૂછવું આધારનું!
નાવ મોજાંઓ અને તોફાન નાવિક હોય છે.

આમજનતા ભોગવે છે વ્યક્તિગત કર્મોનું ફળ,
દંડ પણ કુદરતના ‘ઘાયલ’, સામુદાયિક હોય છે.