Saturday, May 12, 2007

વિરહ-પીડા ન ઘટી, ક્રુર ઘટાઓ રહી ગઇ,

મારા જીવનના મુકદ્દરમાં કઝાઓ રહી ગઇ.

કોઇને યાદ ફક્ત મારી વફાઓ રહી ગઇ,

હાય, મુજ સત્ય હકીકતની કથાઓ રહી ગઇ.

એના લીધે જ હતું જાણે આ તોફાન બધું,

નાવ ડૂબી તો પ્રતિકૂળ હવાઓ રહી ગઇ.

તારી રહેમતની વધારી જગે શોભા ફોકટ !

મારી નિર્દોષ ગુનાઓની સજાઓ રહી ગઇ.

આખરી એક નજરનું જ હતું કામ ફક્ત,

દર્દ દેનારના હાથોમાં દવાઓ રહી ગઇ.

પાર મુજ ધૈર્ય-કસોટી ન ઊતરવા પામી,

હોઠ પર આવી ને લાચાર દુઆઓ રહી ગઇ.

શૂન્ય છલકાઇ મદિરા છતાં ઊભરો ન ગયો,

જામમાં કોઇના યૌવનની અદાઓ રહી ગઇ.