Saturday, May 12, 2007

અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી;
અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી.

કોઇનાથી અમે બે વાત શું પ્યારી કરી લીધી !
જવાનીમાં મરણની પૂર્વતૈયારી કરી લીધી.

અમે મગરૂર મનને મારી લાચારી કરી લીધી;
કરી લીધી જીવન, તારી તરફદારી કરી લીધી.

ઘડીઓ આ જુદાઇની અને તે પણ જવાનીમાં ?
અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી.

મને કંઇ વાત તો કરવી હતી અલગારી મન મારા,
વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીધી.

ભલે એ ના થયાં મારાં, ભલા આ સ્નેહ શું કમ છે ?
ઘડીભર સાથ બેસી વાત બે પ્યારી કરી લીધી.

કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી ?
કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી.

મઝાની ચાંદનીમાં નોતરી બેઠા ઉદાસીને,
અમે હાથે કરીને રાત અંધારી કરી લીધી.

હવે મિત્રો ભલે ગુસ્સો ગઝલ પર ઠાલવે ‘ઘાયલ’
અમારે વાત કરવી હતી પ્યારી, કરી લીધી.