Friday, May 11, 2007

મને એવી રીતે કઝા યાદ આવી,
કોઈ એમ સમજે દવા યાદ આવી.

નથી કોઈ દુ:ખ મારા આંસુનું કારણ,
હતી એક મીઠી મજા યાદ આવી.

જીવનના કલંકોની જ્યાં વાત નીકળી,
શરાબીને કાળી ઘટા યાદ આવી.

હજારો હસીનોના ઈકરાર સામે,
મને એક લાચાર ‘ના’ યાદ આવી.

મોહબ્બતના દુ:ખની એ અંતિમ હદ છે,
મને મારી પ્રેમાળ મા યાદ આવી.

કબરના આ એકાંત,ઊંડાણ,ખોળો,
બીજી કો હુંફાળી જગા યાદ આવી.

સદા અડધે રસ્તેથી પાછો ફર્યો છું,
ફરી એ જ ઘરની દિશા યાદ આવી.

કોઈ અમને ભૂલે તો ફરિયાદ શાની!
’મરીઝ’ અમને કોની સદા યાદ આવી?