Saturday, May 12, 2007

પ્રિય ને તુજ નામ વચ્ચે મિત્ર લખવાનો વખત આવી ગયો,
એક શબ્દનો વધારો કાળજા પર ડામ ઊંડા દઇ ગયો.

મિત્ર શબ્દના નીકળતા અર્થ વિશે માન છે, પણ શું કરું ?
આમ આવીને વચોવચ કંઇ જ પણ સમજ્યા વિના બેસી ગયો.

કેમ આ સંબંધના બદલાવથી બદલાય છે સંબોધનો ?
પ્રશ્ન મેં એક જ ફક્ત પૂછ્યો તને એ પણ નિરુત્તર રહી ગયો.

અલ્પવિરામે ઘણીયે રાહ જોઇ તે છતાં જન્મ્યું નહીં,
નામ જ્યાં તારું લખ્યું ત્યાં પત્ર આખો ટાંક પર અટકી ગયો.

પેન અટકે શાહી છાંટું ને અચાનક લોહીના છાંટા ઊડે,
એક માણસ પેનની શાહી સમો અધવચ્ચેથી ખૂટી ગયો.