Monday, June 4, 2007

હોય મારો દાખલો ને તું મથે, તાળો મળે,
શક્યતા પૂરી છે ત્યાં સરવાળે ગોટાળો મળે.

મધ્યમાં જે શાંત છે, કાંઠે એ ફીણાળો મળે,
વાતમાં દરિયાની કોની વાતનો તાળો મળે !

પારદર્શક કાચ થઈને બહાર ક્યાં નીકળ્યાં તમે ?
આ નગર છે, અહીં શુકનમાં કાંકરીચાળો મળે.

આજે જે ડાળે હો જામી ભીડ ટહુકાઓની ત્યાં,
શક્ય છે ત્યાં કાલે ના માળો, ના ગરમાળો મળે.

રાહ નીરખે છે સદીઓની નપુંસક ફિતરતો,
આ સદીને ક્યારે એનો માટી મૂંછાળો મળે ?

શક્યતાઓ શ્રાપ પામી વાંઝણી હોવાનો જ્યાં,
એ જ મારા ઘરમાં ઈચ્છાઓ બચરવાળો મળે.

ઓઢીને સુરતીપણું ખુલ્લા ફરે છે શબ્દ સૌ,
ચેતજો ! આગળ ગઝલમાં શક્ય છે, ગાળો મળે.