Monday, June 4, 2007


અતલ અગાધ છે અગાશી છે.
છે અંતરીક્ષ કે ઉદાસી છે.

આંખ મીંચી દીધી છે કૈં જુગથી,
આપનો દર્શનાભિલાષી છે.

ચળે છે મેરુ છતાં એ ન ચળે,
જે શબ્દનો ચપળ પ્રવાસી છે.

ગણું છું મૌલવીના દર્પણમાં,
ટુકડા સાતસો ને છ્યાસી છે.

એના ચહેરા છે પળેપળ ઉપર,
છેક ઊંડે સુધી તલાશી છે.

કાં રઝળપાટ કરે નકશામાં,
જે અડોઅડ ઊભું છે : કાશી છે.

પ્રગટ થશે તો એ જ ભાષા છે,
ભીતરે માત્ર ભીમપલાશી છે.

ગઝલમાં શૂન્ય ગહન ઘૂઘવે છે.
ઈતિ સિદ્ધમ્ તું રત્નરાશિ છે.