Thursday, June 7, 2007

લોકો જ્યારે રોવે ત્યારે શ્વાસ કરી બંધ
ગુફામાં પુરાઇ રે'વું મને ના પસંદ;
દીન હીનના પડે પોકારો પડછંદ
તે સમે કરી રહું આ કર્ણ કેમ બંધ ?

એવું સંતપણું મને કો'દી ના પસંદ
જેને નહીં દેશનો કે સૃષ્ટિનો સંબંધ;
દેશની ગુલામી દુઃખ સૃષ્ટિના કલંક
જોવાં છતાં જેનામાં ના કરુણાની ગંધ !

સૃષ્ટિમાં છે દુઃખ, નથી પ્રજ્ઞવેશે પંથ,
ત્યાં લગી શેં નીંદ મને, કેમ વળે જંપ;
કિન્તુ તો ઉતાવળે કરી કરું શું જંગ,
સાધનાની શક્તિ મારે પામવી અનંત.

સૃષ્ટિ સારુ સાધના હશે મારી અખંડ,
પામશે સાફલ્ય બની સાધના જ્વલંત;
તું ય મારી સાથે રે'જે યજ્ઞમાં અનંત !
સૃષ્ટિ ના જોઇ શકાયે કેમ કરી બંધ !