Saturday, January 10, 2009

તું મને મળતી ખરી પણ મન વગર,
ઝાંઝવા બનતાં સરોવર જળ વગર.

શૂન્ય મારું મન થયું છે એટલું,
કે હવે ખડ ખડ હસું છું ભય વગર.

જ્યાં જઉં છું ત્યાં મને સામી મળે
ભીંત પણ ચાલી શકે છે પગ વગર.

દૂર તારાથી થતો હું જાઉં છું
એમ લાગે છે, હવે છું ઘર વગર.

સૂર્ય સ્પર્શે ઓસ તો ઊડી ગયું
હું તને મળતો રહ્યો કારણ વગર.

ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો;
અતિ વરસાદ કૈ ખેડૂતને પ્યારો નથી હોતો.

તમારા ગર્વની સામે અમારી નમ્રતા કેવી?
ગગનમાં સૂર્યની સામે કદી તારો નથી હોતો.

અગન એની અમર છે મૃત્યુથી પર પ્રેમ છે ઓ દિલ,
બળીને ભસ્મ થનારો એ અંગારો નથી હોતો

હવે ચાલ્યા કરો ચાલ્યા કરો બસ, એ જ રસ્તો છે,
ત્યજાયેલા પથિકનો કોઇ સથવારો નથી હોતો

જરી સમજીવિચારી લે પછી હંકાર હોડીને,
મુહબ્બતના સમંદરને કદી આરો નથી હોતો.

ચમકતાં આંસુઓ જલતા જિગરનો સાથ મળવાનો,
ન ગભરા દિલ પ્રણયનો પંથ અંધારો નથી હોતો.

ઘણાંય એવાંય તોફાનો ઊઠે છે મનની નગરીમાં,
કે જેનો કોઇ અણસારો કે વરતારો નથી હોતો.

ફક્ત દુ:ખ એ જ છે એનું તરસ છીપી નથી શકતી,
નહીંતર પ્રેમનો સાગર કદી ખારો નથી હોતો.

Monday, January 5, 2009

જીવતા બાપને ‘ડેડ’ કહે અને બા ઇજિપ્તની ‘મમી’,
સાચ્ચું કહું છું ‘બોસ’, આપણને વાત જરાય ના ગમી.

પા પા કહીને અડધો કરે ને મોમની બનાવે મીણબત્તી,
સવારમાં તો ફ્રેન્ડશિપ કરે, ને સાંજ પડતાંમાં કટ્ટી.

ઘર સ્કૂલોમાં ફેરવાયાં સ્કૂલોમાં ઓપન હાઉસ,
ટીચરો સહુ ચર્ચા કરે છે, જેમ બિલ્લી ને માઉસ.

દેશના ભાગાકાર કરીને માગે સહુ ડોનેશન (દો-નેશન),
કૉલેજમાં તો જલસા યારો, કોચિંગ ક્લાસમાં ફેશન.

શિક્ષણ કે sick ક્ષણ છે, સંસ્કૃતિનું કેવું મરણ છે ?
એકલવ્યનો અકાળ પડ્યો છે, દ્રોણનુંય ક્યાં શરણ છે ?

ક્યાં સુધી આ જોયા કરવું, ક્યાં સુધી ચાલશે આમ ?
મા સરસ્વતી ! ત્રાહિમામ ! ત્રાહિમામ ! ત્રાહિમામ !

ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે?
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે.

ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ
એકલો ઊભું ને તો યે મેળામાં હોઉં એવું લાગ્યા કરે મને રોજ
તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમખેમ છે....
આપણે તો કહી દઇએ..

આંખોમાં પાણી તો આવે ને જાય નથી ભીતર ભીનાશ થતી ઓછી
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ નથી પરવા સમંદરને હોતી
સૂરજ તો ઊગે ને આથમી યે જાય મારીઉપર આકાશ હેમખેમ છે...
આપણે તો કહી દઇએ..

Friday, December 5, 2008

હાથને ચીરો તો ગંગા નીકળે
છેવટે એ વાત અફવા નીકળે.

બોમ્બની માફક પડે કાયમ સવાર
એ જ કચ્ચરઘાણ ઘટના નીકળે.

કોઇ સપનું છીછરું વાગ્યું હતું
ને જનોઇવઢ સબાકા નીકળે.

સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ,
ભોંયરાઓ એના ક્યાં ક્યાં નીકળે.

એ શું ક્બ્રસ્તાનનું ષડયંત્ર છે?
મુઠ્ઠીઓ ખૂલે તે મડદાં નીકળે.

દાબડીમાં એક માણસ બંધ હોય
ઢાંકણું ખોલો તો લાવા નીકળે.

વક્ષની ખંડેર ભૂમિ ખોદતાં
કોઇ અશ્મીભૂત શ્રધ્ધા નીકળે.

માર્ગમાં આવે છે મૃત્યુની પરબ
જ્યાં થઇ હરએક રસ્તા નીકળે.

ર નીરંતર મેશ-માં સબડે અને
સુર્ય પણ નીકળે તો કાળા નીકળે.

- રમેશ પારેખ

એક એવું ઘર મળે આ વિશ્ર્વમાં,
જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું.

એક એવું આંગણું કે જયાં મને;
કોઈ પણ કારણ વગર શૈશવ મળે!

એક બસ એક જ મળે એવું નગર;
ગમે ત્યારે અજાણ્યો થઈ શકું;

‘કેમ છો ?’ એવું ય ના ક્હેવું પડે;
સાથ એવો પંથમાં ભવભવ મળે!

એ એવી હોય મહેફિલ જ્યાં મને,
કોઈ બોલાવે નહિ ને જઈ શકું!

એક ટહુકામાં જ આ રૂંવે રૂંવે,
પાનખરનાં આગમનનો રવ મળે!

તો ય તે ના રંજ કૈં મનમાં રહે-
અહીંથી ઊભો થાઉં ને મ્રુત્યું મળે…

- માધવ રામાનુજ

Wednesday, October 22, 2008

મારે કવિતા લખવી નથી.
મારે તો લખવો છે કાગળ
-સરનામા વિનાનો,
મારા નામ વિનાનો !
તું યાદ આવે છે એટલે
હું કાગળ લખતો નથી.
હું કશુંક ભૂલવા માંગુ છું
એટલે કાગળ લખું છું.

Friday, October 17, 2008

એક વાત કહી રહ્યો છું સાહિત્યના વિષયમાં
દુઃખમાં હ્રદયને રાખો,રાખો ન દુઃખ હ્રદયમાં.

નિષ્ફળ પ્રણયનું કારણ શોધો તો છે ઉભયમાં
એ રહી ગયા શરમમાં,હું રહી ગયો વિનયમાં

જેમાં થતાં પરાજય આવે ન લાજ કોઈ
એમાં વિજય મળે તો રાચી ઊઠો વિજયમાં

દેવાને રાહ તમને સઘળાં ખસી ગયા છે
આવો હવે તો આવો મારા બુરા સમયમાં!!

માનવની ચડતી-પડતી ખુદમાં જ ઉદભવે છે
પડતી નથી જરૂરત અંતરની અસ્તોદયમાં

દિવસના હો અમલ તો જીવન 'મરીઝ'પલટે
જે યોજના કરું છું રાતે મદિરાલય માં..

દર્દ રાખે છે દિલ બધા માટે,
એ સજા છે કવિ થવા માટે.

યાદ માં તારી કે ગુનાહો માં,
કંઈક ઈચ્છું છું ડૂબવા માટે.

દિલ ઊઠી જાય છે એ દુનિયાથી,
હાથ ઊઠતા નથી દુઆ માટે.

કંઈક એ રીતથી ફના થઈએ,
કંઈ ન બાકી રહે ખુદા માટે.

એ શહીદોથી કમ નથી હોતા,
જે જીવી જાય છે ખુદા માટે.

જિંદગી ભીડમાં હતી કિંતુ,
રાહ કરવી પડી કઝા માટે.

જો કવિતા નહીં લખો તો 'મરીઝ'
કોણ બોલાવશે નશા માટે ..?

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !

પંખી સહિત હવા ચાતરીને જાય
એવું અષાઢી દિવસોમાં લાગે,
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં
પણ મારામાં ઝાડ હજી જાગે.

માળામાં ગોઠવેલી સળી હું નથી
મને વીજળીની બીક ના બતાવો !

એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય
કોઈ રાતી કીડીનોય ભાર !
એક પછી એક ડાળ ખરતી જોઉં ને થાય
પડવાને છે કેટલી વાર ?

હું બરફમાં ગોઠવેલું પાણી નથી
મને સૂરજની બીક ના બતાવો !