Friday, June 26, 2009

કોરી આંખો મળી, કોરા સપના મળ્યા,
દ્રશ્ય નજરોને કંઈ એવા જોવા મળ્યા.

વાસ્તવિકતા, વિચારો કે હોવાપણું,
જિંદગી નામે કેવા એ કિસ્સા મળ્યા.

રાત આખી વિતાવી મેં જાગી અને,
ઘોર અંધારે પરભવના તડકા મળ્યા.

ચાંદ તારાને મારી કહાણી કીધી,
ઝાકળે કંઇક પુષ્પો પલળતા મળ્યા.

હાથમાં છે કલમ, ને છે ખારાશ પણ,
આંખો ચોળી લીધી, સહુને હસતાં મળ્યા.

હાથે મારે છે વેઢા કે છે વાદળા?
કાગળે સેજ અડક્યાં; વરસતાં મળ્યા.

આમ તો તેઓ પણ મળવા આતુર છે,
જ્યારે સામે મળ્યા, નેણ નીચા મળ્યા.

સૂર્ય કિરણોની આજીવિકા હોય શું?
ક્યાંક તડકા મળ્યા ક્યાંક છાયા મળ્યા