Friday, June 26, 2009

ભીની ભીની ભીનાશ ચહેરો તારો,
તર-બતર કુમાશ ચહેરો તારો.

ના કળી ના પોયણી ના ફુલ ના પુષ્પ,
ગંધ સુગંધ સુવાસ ચહેરો તારો.

થોડો સોનેરી ને જરા રૂપેરી રૂપેરી,
સૌમ્ય સૌમ્ય ઉજાસ ચહેરો તારો.

રગે રગ વહે રંગોના ઝરણાં,
મેઘ-ધનુષી આવાસ ચહેરો તારો.

દૃષ્ટિ મારી નંદનવન થઈ જાયે,
કાશી છે કે કૈલાશ ચહેરો તારો.

પૂરબ પશ્વિમ, ઉત્તર દક્ષિણ,
ધરતી આકાશ ચહેરો તારો.

પંક્તિ ગીતની થોદા શેર ગઝલના,
છંદો-છંદ પ્રાસાનુ પ્રાસ ચહેરો તારો.

પ્રતિબિંબ લઈ ઘુમે છે ગલીઓમાં,
આયનાની તલાશ ચહેરો તારો.

આંખોની તૃષ્ણા એક જનર તારી,
ને નજરની પ્યાસ ચહેરો તારો.

આવ નજદીક એક વાત કહું ખાનગી,
છે ચહેરાઓમાં ખાસ ચહેરો તારો.

દૂર દૂર પાસ પાસ ચહેરો તારો,
છે મૃગજળ કે ચાસ ચહેરો તારો.