Friday, June 26, 2009

મારા અંગથી સુવાસ તારી નીતરી રહી :
એ જ સૌરભથી નામ તારું ચીતરી રહી.

મારી હથેળીમાં મૂક્યું તો નામ તારું
ઊગતા પરોઢિયાનો તારો ;
આછા અંધારામાં ઝીણું ઝીણું મરકે ને
અંજવાળે આખો જનમારો.

એક તારલાને જોતાં આભ વીસરી રહી;
મારા અંગથી સુવાસ તારી નીતરી રહી.

નામને મેં હોઠથી અળગું કર્યું તો
મને થઇને પવન વીંટળાય;
મારા એકાંતની કુંજમા આ નામ તારું
લગનીની ડાળે લહેરાય.

હું તો અહીંયા ઊભી ને ક્યાંય નીસરી રહી
મારા અંગથી સુવાસ તારી નીતરી રહી