Friday, June 26, 2009

આ તારલો ઝબકીને ખરતો, આભથી પળ એકમાં
આ આગિયો ઊડતો ઝબકતો, ઘડી ઘડીના તાલમાં

આ ધૂપસળી બળતી પૂરીને, મહેકતી ઘડીઓ સુધી
આ કોડિયું બળતું રહ્યું, એક રાતના છેડા સુધી

આ વીજળી પણ ચમકતી, વાદળ તણાં ગર્જન સુધી
આ ચાંદની પણ ચમકતી, પ્રભાતના પ્રારંભ સુધી

ક્યાંક મેં વાંચ્યું હતું કે સૃષ્ટિનો પણ અંત છે
કે આગ પણ આ સૂરજની નવ ચાલશે યુગો સુધી

ઓ સૃષ્ટિના ઘડનાર પૂછું કેમ ભૂલ આ ભારે કરી ?
કાં દિવડા તે ના કર્યા, જે ઝળકતા યુગો સુધી ?

એણે કહ્યું કે દિવડાં મૂક્યા મેં માનવ દિલમાં
અજવાળું જેનું પહોચતું, આકાશથી પાતાળ સુધી

પરોપકારને પ્રેમના બળતણથી જે પ્રગટાવતાં
ફક્ત માણસાઇના દિવા ઝળકતાં યુગો સુધી