મોહતાજ ના કશાનો હતો કોણ માનશે? મારોય એક જમાનો હતો કોણ માનશે?
ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ, એ આપનો દીવાનો હતો કોણ માનશે?
તોબા કર્યા વિના કદી પીતો નથી શરાબ, આ જીવ ભક્ત છાનો હતો કોણ માનશે?
માની રહ્યું છે જેને જમાનો જીવનમરણ ઝઘડો એ 'હા' ને 'ના' નો હતો કોણ માનશે?
મસ્તીમાં આવી ફેરવી લીધી જગતની આંખ, એ પણ સમય નશાનો હતો કોણ માનશે?
હસવાનો આજ મેં જે અભિનય કર્યો હતો, આઘાત દુર્દશાનો હતો કોણ માનશે?
રુસ્વા કે જે શરાબી મનાતો રહ્યો જગે, માણસ બહુ મઝાનો હતો કોણ માનશે? |