કેટલી માદકતા સંતાઇ હતી વરસાદમાં ! મસ્ત થઇ સૃષ્ટિ બધી ઝૂમી ઊઠી વરસાદમાં !
રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં !
કેટલો ફિક્કો અને નિસ્તેજ છે બીમાર ચાંદ કેટલી ઝાંખી પડી ગઇ ચાંદની વરસાદમાં !
કોઇ આવે છે ન કોઇ જાય છે સંધ્યા થતાં કેટલી સૂની પડી ગઇ છે ગલી વરસાદમાં !
એક તું છે કે તને કંઇ પણ નથી થાતી અસર, ભેટવા દરિયાને ઊછળે છે નદી વરસાદમાં.
લાખ બચવાના કર્યા એણે પ્રયત્નો તે છતાં છેવટે ‘આદિલ’ હવા પલળી ગઇ વરસાદમાં. |