Saturday, July 21, 2007

ઉદ્ધતાઈ દાખવે તો એને કહેવું પણ પડે,
ને રડે તો શબ્દનું ઉપરાણું લેવું પણ પડે.

આખરી ઈચ્છા જો નિર્મળ જળ થવાની હોય તો,
પથ્થરોની વચ્ચે થઈને એણે વહેવું પણ પડે.

કંપ ભીતરના જ તો ભારે ભયાનક હોય છે,
જણ હો સાંગોપાંગ એક બહુમાળી જેવું, પણ પડે.

ચાહવાનો વણલખ્યો એક જ નિયમ છે દોસ્તો !
લાગણીના સાવ ચંચળ સ્તરને સહેવું પણ પડે.

પ્રાર્થનાના આર્તનાદ ઉપર સુધી પહોંચ્યા તો છે,
શક્ય છે કે આ વખત વરસાદ જેવું પણ પડે.

કેવી છે રફતાર ! ચિંતા છે સફરમાં શું થશે !
કાચબાની પીઠ ઉપર રાત રહેવું પણ પડે.

કોઈ ક્ષણ પર જિંદગી એવો દગો દઈ દે કદાચ !
ચક્રવૃધ્ધિ વ્યાજ સાથે એને દેવું પણ પડે.