Tuesday, May 26, 2009

પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું
હું તેજ ઉછીનું લઉં નહીં
હું જાતે બળતું ફાનસ છું.

ઝળાહળાનો મોહતાજ નથી
મને મારું અજવાળું પૂરતું છે
અંધારાના વમળને કાપે
કમળ તેજતો સ્ફુરતું છે

ધુમ્મસમાં મને રસ નથી
હું ખુલ્લો અને નિખાલસ છું
પ્રારબ્ધને અહીંયાં ગાઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું

કુંડળીને વળગવું ગમે નહીં
ને ગ્રહો કને શિર નમે નહીં
કાયરોની શતરંજ પર જીવ
સોગઠાબાજી રમે નહીં

હું પોતે જ મારો વંશજ છું
હું પોતે મારો વારસ છું
પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું

-નરેન્દ્ર મોદી

Monday, May 18, 2009

રાત, પ્રતીક્ષા
રાત, પ્રતીક્ષા, ઊંઘનું ઝોલું
શ્રદ્ધા જેવા લયથી ડોલું

હું ઝાકળના શહેરનો બંદી
બોલ, ક્યો દરવાજો ખોલું ?

થાય સજા પડઘા-બારીની
ત્યાં જ તમારું નામ ન બોલું

આવરણોને કોણ હટાવે ?
રૂપ તમારું આખાબોલું !

સ્વપ્નાંઓ સંપૂર્ણ થયાં છે
આપ કહો…તો આંખો ખોલું

- જવાહર બક્ષી

તારા વિના
તારા વિના સૂરજ તો ઊગ્યો
પણ આકાશ આથમી ગયું.
તારા વિના ફૂલ તો ખીલ્યાં
પણ આંખો કરમાઈ ગઈ.
તારા વિના ગીત તો સાંભળ્યું
પણ કાન મૂંગા થયા.
તારા વિના…

તારા વિના…
તારા વિના…

જવા દે,કશું જ કહેવું નથી.
અને કહેવું પણ કોનેતારા વિના ?

- સુરેશ દલાલ

ક્ષણોને તોડવા બેસું તો વરસો ના વરસ લાગે
બુકાની છોડવા બેસું તો વરસો ના વરસ લાગે

કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભુંસી દઊં
અરીસો ફોડવા બેસું તો વરસો ના વરસ લાગે

કમળ-તંતુ સમા આ મૌનને તું તોડ મા નાહક
ફરી થી જોડવા બેસું તો વરસો ના વરસ લાગે

આ સપનું તો બરફનો સ્તંભ છે,
હમણાં જ ઓગળશેહું એને ખોડવા બેસું તો વરસો ના વરસ લાગે

મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા
ચરણ લઇ દોડવા બેસું તો વરસો ના વરસ લાગે....

-શ્રી મનોજ ખંડેરિયા

વાતોની કુંજગલી
વાતે વાતે તને વાંકું પડ્યું :
ને મેં વાતોની કુંજગલી છોડી દીધી.

શબ્દોને પંથ કોણ કોને નડ્યું ?
મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.

આંખોમાં વાદળાં ને શ્વાસોમાં વાયરા:
પણ અડકો તો ભોમ સાવ કોરી:
તારા તે કાન લગી આવી ઢોળાઈ ગઈ
હોઠ સમી અમરત કટોરી.

પંખીની પાંખમહીં પીંછું રડ્યું:
ને મેં વાતોની કુંજગલી છોડી દીધી.

હવે ખળખળતાં ટળટળતાં અંધાર્યા જળ
કે અણધાર્યો તૂટી પડ્યો સેતૂ:
પાસે રહીને મને લાગે છે કેમ હવે
કેટલાય જનમોનું છેટું!

મારાં સપનાંને વેદનાનું વૈકુંઠ જડ્યું:
ને મેં વાતોની કુંજગલી છોડી દીધી.

- જગદીશ જોષી

તમને ફૂલ દીધાનું યાદ
ધીમે ધીમ ઠાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ
સળવળ વહેતી કેડસમાણી લીલોતરીમાં તરતા ખેતરશેઢે સોનલ...

અમે તમારી ટગરફૂલ-શી આંખે ઝૂલ્યા ટગર ટગર તે યાદ
અમારી બરછટ બરછટ હથેળીઓને તમે ટેરવાં ભરી કેટલી વાર પીધાનું યાદ
ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ

અડખેપડખેના ખેતરમાં ચાસ પાડતાં હળ મારી આંખે ફરતાં
એકલદોકલ કોઇ ઊછળતું સસલું દોડી જતાં ઝાંખરા પરથી પર્ણો ખરતાં
તરે પવનના લયમાં સમળી તેના છાંયા છૂટાછવાયા ફાળ ઘાસમાં ભરતા

ડાળ ઉપર ટાંગેલી ઠીબનું નાનું સરખું બપોર ઊડી એકસામટું
પાંખ વીંઝતું હવા જેવડું થાય
ડાળ ઉપર ટાંગેલી ઠીબમાં સવાર પીતું નીલરંગનું પંખી જોઇ
ઝાડ ભૂલ્યાનું યાદ
ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ

- રમેશ પારેખ

ખોબો ભરીને અમે એટલું હસ્યાંકે
કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.

ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાં
કૂંવારાં સોળ વરસના તૂરાં તૂરાં
અમે ધૂમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં
કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.

ક્યાં છે વીંટી અને ક્યાં છે રૂમાલ ?
ઝૂરવા કે જીવનનો ક્યાં છે સવાલ !
કૂવો ભરીને અમે એટલું રડ્યાં
કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.

- જગદીશ જોષી