Wednesday, November 7, 2007

નીડની ભીડથી તૂટી ડાળી,
કૈંક અફવા આમેય સૂણી છે. ...નાદાન

તોય રહ્યું આ જીવતર કોરું,
વરસી વરસી વાદળ ખૂટમાં. ....દિલેર બાબુ

ઠીક ક્યાં છે આ આંખની મોસમ,
એક ધારો પ્રપાત થઇ ગઇ છે. .... અનિલ

પંથ પ્રપંચ પ્રતિભાવોથી પર,
પ્રેમ રસનો તલબગાર છે તાજ. ... વિજય આશર

નરક સ્વર્ગ જેવી જગા પણ હશે,
સજા પણ હશે ને મજા પણ હશે. .... જલન માતરી

ચરર ચરર મારું ચકડોળ ચાલે,
ચાકડૂચું ચીંચીં ચાકડૂચું ચીંચીં તાલે,
આજે રોકડા ને ઉધાર કાલે. ચરર ચરર
ઓ લાલ ફેંટાવાળા ! ઓ સોમાભાઇના સાળા !
ઓ કરસનકાકા કાળા ! ઓ ભૂરી બંડીવાળા !
મારું ચકડોળ કાલે, ચાકડૂચું ચીંચીં, ચાકડૂચું ચીંચીં. ચરર ચરર
અધ્ધર પધ્ધર, હવામાં સધ્ધર, એનો હીંચકો હાલે,
નાનાં મોટાં, સારાં ખોટાં, બેસી અંદર મ્હાલે;
અરે બે પૈસામાં બબલો જોને આસમાનમાં ભાળે.
ચાકડૂચું ચીંચીં તાલે. ચરર ચરર
ચકડોળ ચઢે, ઊંચે નીચે, જીવતર એવું ચડતું પડતું,
ઘડીમાં ઉપર… ઘડીમાં નીચે… ભાગ્ય એવું સૌનું ફરતું;
દુ:ખ ભૂલીને સુખથી ઝૂલો નસીબની ઘટમાળે,
ચાકડૂચું ચીંચીં, ચાકડૂચું ચીંચીં ચાલે,
આજે રોકડા ને ઉધાર કાલે ચરર. ચરર ચરર
- અવિનાશ વ્યાસ