Friday, August 31, 2007

કોઇની પણ વાતમાં પડતો નથી,
એટલે હું કોઇને નડતો નથી.

જે ઘડીએ જે મળ્યું મંજૂર છે,
ભાગ્ય સાથે હું કદી લડતો નથી.

કોણે છલકાવ્યા નજરના જામને,
આમ તો હું જામને અડતો નથી.

હામ હૈયામાં છે મારા એટલે,
ઠોકરો ખાઉં છું પણ પડતો નથી

અનુભવ થઇ ગયો એવો મને એકવાર પીછાનો,
પહાડોથી વધુ લાગી રહ્યો તો ભાર પીછાનો.

જગા એક્વેત પણ જોકે નથી આગણા માં રોકી પણ,
ગગન સમજે છે, શું હોઇ શકે વીસ્તાર ભાર પી ંછાનો.

પળેપળ નીડમાં અકળાતી એકલતા પુછી રહી છે,
અહીં ક્યારે ફફડશે મખમલી આકાર પીછાનો.

માનવના થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો
જે કાંઈ બની ગયો એ બરાબર બની ગયો. માનવના થઈ શક્યો તો...

એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યા
મારો જ પ્રશ્ન એમનો ઉતર બની ગયો. માનવના થઈ શક્યો તો....

વર્ષો પછી મળ્યા તો નયન ભીના થઈ ગયા
સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો. માનવના થઈ શક્યો તો....

એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યા
મારો જ પ્રશ્ન એમનો ઉતર બની ગયો. માનવના થઈ શક્યો તો....

છે આજ મારા હાથમાં મહેંન્દી ભરેલા હાથ
મારો ય હાથ આજ તો સુંદર બની ગયો. માનવના થઈ શક્યો તો...

આદિલના શેર સાંભળી આશ્ચર્ય થઈ ગયું
ગઈ કાલનો આ છોકરો શાયર બની ગયો. માનવના થઈ શક્યો તો....

Monday, August 27, 2007

જે મસ્તી હોય આંખોમાં સુરાલયમાં નથી હોતી
અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી
શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે?
જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી

Wednesday, August 22, 2007

કહી દો આ સૌ પારેવાંને,
હવે ચણ નથી નાખવાનો.

કુણી લાગણીઓની અંદર
ટપકતાં આંસુ નથી લુછવાનો.

કાચીંડા સમ આ જીવનમાં,
હવે રંગબાજી નથી કરવાનો

ને સંવેદનાની બુઠઠી કીનારને
હવે ધારદાર નથી ઘસવાનો.

તોરણો ભલે બંધાયા માંડવે
યાદોને વીદાય નથી આપવાનો.

ને પીંડ ભલે બંધાય ગઝલનો
શબ્દોને રમત નથી રમાડવાનો.

Friday, August 10, 2007

વાત વર્ષોની જર્જર પુરાણી હતી, એક રાજા હતો એક રાણી હતી,
સાવ ઈતિહાસથીયે અજાણી હતી, એક રાજા હતો એક રાણી હતી.

મેં અમસ્તી લખેલી કથાના સહુ પાત્ર સાચાં મળે છે તો હું શું કરું ?
કોના હોવાની ઘટના કહાણી હતી ? એક રાજા હતો એક રાણી હતી.

એક અવસ્થા હતી, ફૂલકન્યા હતી, તીરની સાથે છોડેલ ચિઠ્ઠી હતી,
ઊડતી એક ઘોડી પલાણી હતી, એક રાજા હતો એક રાણી હતી.

કે, ઝઝૂમ્યું હતું કોણ છેવટ સુધી શેરમાટીમા સપનાની સામે સતત ?
કોની વંશાવેલી ધૂંળ-ધાણી હતી? એક રાજા હતો એક રાણી હતી.

શાપ લાગ્યો હતો એક પળનો અને યુગ પથ્થર થઈને વિતાવ્યા હતા,
તોય વરદાન જેવી જ વાણી હતી, એક રાજા હતો એક રાણી હતી.

લોહીની નદીઓ વહે છે રોકો
રોજ નિર્દોષ મરે છે રોકો

આગને કોણ સળગતી રાખે
શહેરનાં શે'ર બળે છે રોકો

ક્યાં સુધી ચાઅશે અંધાધૂંધી
પ્રશ્ન હરરોજ ઊઠે છે રોકો

ન્યાય ને રક્ષા કરી જે ન શકે
ભાષણો કેમ કરે છે રોકો

શબની પેટીથી મતોની પેટી
કોઈ સરખાવ્યા કરે છે રોકો

છે ઈમારત પડું પડું 'આદિલ'
મૂળ આધાર ખસે છે રોકો

ક્યારેક અનુભવોમાંથી અમૃત શોધીએ છીએ,
ક્યારેક એ અમૃત વલોવી જહર શોધીએ છીએ.

કદી મનનાં ઉપવન ખૂંદીને અહંને શોધીએ છીએ,
ને અહંના એ કાદવને ખૂંદી કમળ શોધીએ છીએ.

ઉજાગરા સદીઓથી સદી ગયા છે અમને તોય,
કદી દીવો લઇ પેલી નિંદરને શોધીએ છીએ.

વાતો કડવી કરી કરી સ્વજનોને દુભવ્યા છે,
હવે એમનાં દિલમાં મીઠાશ શોધીએ છીએ.

કરી અલવિદા વતનને વસ્યા પરદેશ જઈ,
હવે વતનની પેલી મીઠાશને શોધીએ છીએ.

કદી ન આપ્યો આદર જેને ન હૂંફ આપી છે,
એની પાસેથી હવે સમભાવ શોધીએ છીએ.

સમજતો કેમ નથી જીવડા, વાવ્યું નથી જે,
એ લણવા માટે શી વરાપ શોધીએ છીએ?

સમંદર ને સરોવરને ચાલ્યા ઠોકરે ઠેલી
હવે મૃગજળમાં કાં જળ શોધીએ છીએ?

મજા પડે તો તરત હું મિજાજ બદલું છું,
ન આંખ બદલું ભલે પણ અવાજ બદલું છું.

રમતરમતમાં હું રસ્મોરિવાજ બદલું છું,
બદલતો રહું છું મને, તખ્તોતાજ બદલું છું.

સફર અટકતી નથી કંઈ તૂફાન ટકરાતાં,
દિશા બદલતો નથી હું જહાજ બદલું છું.

પ્રજળતું કૈંક રહે છે હમેશાં હોઠો પર,
કદીક શબ્દ તો ક્યારેક સાજ બદલું છું.

સુરાલયે જ ચાલ હવે 'શૂન્યતા' છોડી,
દરદ બદલતું નથી તો ઈલાજ બદલું છું.

-રાજેન્દ્ર શુક્લ

જીવનમાં કઈ કમી છે, શી કમી છે આપને નહીં કહું,
રહીને દૂર મારા પર વરસતા શાપને નહીં કહું.

અતિથી બે હતા પણ એકને આપી દીધી રૂખ્સદ,
ખુશીને તો કહ્યું જાવા, હવે સંતાપને નહીં કહું.

કે દીઠો દંભ ભક્તિમાં ને સાદાઇ ગુનાહોમાં,
કુરૂપ છે પુણ્ય, એ મારા રુપાળા પાપને નહીં કહું.

અરીસો હોય કદરૂપો તો કદરૂપી છબી ઉપસે,
છતા કંઇ આપ પર મારા વિષેની છાપ નહીં કહું.

સ્મરણ હો કે હવે પ્રત્યક્ષ હો સાનિધ્ય સરખું છે,
પરસ્પર ભિન્ન હું આપણા મેળાપને નહીં કહું.

ધખે છે સુર્ય જે નભમાં પ્રકટશે ચન્દ્ર ત્યાં શીતળ્,
કદી સ્થાયી જીવનમાં જીરવેલા તાપને નહીં કહું.

"ગની" સ્વરમાં રહી ગાયું જીવનનું ગીત પણ અંતે
થયુ કોલાહલે ગૂમ, ભેદ એ આલાપને નહીં કહું.

તારી નજરમાં જ્યારે અનાદર બની ગયો,
મંઝિલ વગરનો જાણે મુસાફર બની ગયો !

ફૂલોનું સ્વપ્ન આંખમાં આંજ્યાના કારણે,
હું પાનખરમાં કેટલો સુંદર બની ગયો ?

ક્યાં જઈ હવે એ સ્મિતની મીઠાશ માણશું ?
હૈયાનો બોજ આંખની ઝરમર બની ગયો !

મુક્તિ મળે છે સાંભળ્યું ચરણોના સ્પર્શથી,
રસ્તે હું એ જ કારણે પથ્થર બની ગયો !

મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું ?
સંસાર, આંખ મીંચી તો નશ્વર બની ગયો !

અહીંયા જ મારા પ્રણયની કબર છે
ખરું કહો તમે, આ તમારું જ ઘર છે?

તમે બેકદર થઈ ગયાં તો હું સમજ્યો
એ મારા સમા માટે સાચી કદર છે

હ્રદય મારું માટીનું કૂંડું થયું છે
ફૂલો જેમ એમાં કોઈની નજર છે

સુરાલય પછીથી હું શું કામ શોધું?
તમે પીધો એની મને પણ અસર છે

મને મારું મન એમ આગળ કરે છે
કે મંઝિલની જાણે કે મુજને ખબર છે!

હવે કોંને પોતાના ગણવા કહી દો
અમારી જ સામે અમારું ભીતર છે

મને રોક્યો મંઝિલના દ્વારે જઈ મેં
કે મનમાં રહે : સ્હેજ બાકી સફર છે.

દુઃખમાં રડી લેવાની પણ મઝા અનેરી હોય છે,
હારેલી જીંદગી જીવવાની પણ મઝા અનેરી હોય છે.

કીનારા પર વહાણ હંકારનારાઓ તમને શું ખબર,
તૂફાન માં કશ્તી ગુમાવવાની પણ મઝા અનેરી હોય છે.

તમામ ઉમર જેને પામવાની તડપ હોય પરંતુ,
તેને મેળવીને ગુમાવાની પણ મઝા અનેરી હોય છે.

બે હાથ વડે ઝીંદગી ઉલેચનારાઓ એટલું પણ જાણો કે,
છેલ્લા શ્વાસે હથેળી ખાલી જોવાની પણ મઝા અનેરી હોય છે.

એક વાટ પકડી ને ચાલનારાઓ મંઝીલ જરુર પામે છે,
કીન્તુ માર્ગ માં ભટકી જવાની પણ મઝા અનેરી હોય છે.

દુનીયા જીતનારા ઘણાં સીકંદરો ભૂલાઈ ગયાં 'મક્કુ',
એક-બે ના દીલ જીતી ચાલી જવાની પણ મઝા અનેરી હોય છે..

ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઇ
પ્રસંગ, નહિ તો મિલનના જતા કરે કોઇ

મને ઘણાય તમારો સંબંધ પૂછે છે
તમારી પણ કદી એવી દશા કરે કોઇ

તમારી પાસ જવાની નથી થતી ઇચ્છા
મને ફરીથી જવાની મના કરે કોઇ

ભલે અવાજની ક્ષિતીજમાં જઇ ન શકાય
વિચારને તો જતા – આવતા કરે કોઇ

કોઇ નજીક નથી – એ વિષે હું કૈં ન કહું
આ સંકડાશ વિષે સ્પષ્ટતા કરે કોઇ

ગુન્હા કર્યા તો ‘ફના’ મેં ગુન્હા તમારા કર્યા
મને એ માન્ય નથી કે સજા કરે કોઈ.

- જવાહર બક્ષી

માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ડૂબી જવાની ઘટના ઉર્ફે;
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…

ખુલ્લી બારી જેવી આંખો ને આંખોમાં દિવસો ઊગે ને આથમતા;
દિવસો મતલબ વેઢા, મતલબ પંખી, મતલબ ઊડી જવાની ઘટના ઉર્ફે…

પગમાંથી પગલું ફૂટે ને પગલાંમાંથી રસ્તાના કૈં રસ્તા ફૂટે;
રસ્તા અથવા ફૂલો અથવા પથ્થર અથવા ઊગી જવાની ઘટના ઉર્ફે…

વજ્જરની છાતી ના પીગળે, આંસું જેવું પાંપણને કૈં અડકે તો પણ;
આંસુ, એમાં શૈશવ, એમાં કૂવો, એમાં કૂદી જવાની ઘટના ઉર્ફે…

ચાલો સૌ આ સંબંધોની વણજારોને બીજે રસ્તે વાળી દઈએ,
સંબંધો સમણાંનાં ઝુમ્મર, ઝુમ્મર યાને ફૂટી જવાની ઘટના ઉર્ફે…

છાતીમાં સૂરજ ઊગ્યાનો દવ સળગે ને સૂરજ તો એક પીળું ગૂમડું,
ગૂમડું પાકે, છાતી પાકે, મહેફિલમાંથી ઊઠી જવાની ઘટના ઉર્ફે…

મૂઠી ભરીને પડછાયાનાં ગામ વસેલાં ને પડછાયા હાલે ચાલે,
પડછાયા તો જાણે ચહેરા, ચહેરા જાણે ભૂલી જવાની ઘટના ઉર્ફે…

મોહતાજ ના કશાનો હતો કોણ માનશે?
મારોય એક જમાનો હતો કોણ માનશે?

ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ,
એ આપનો દીવાનો હતો કોણ માનશે?

તોબા કર્યા વિના કદી પીતો નથી શરાબ,
આ જીવ ભક્ત છાનો હતો કોણ માનશે?

માની રહ્યું છે જેને જમાનો જીવનમરણ
ઝઘડો એ 'હા' ને 'ના' નો હતો કોણ માનશે?

મસ્તીમાં આવી ફેરવી લીધી જગતની આંખ,
એ પણ સમય નશાનો હતો કોણ માનશે?

હસવાનો આજ મેં જે અભિનય કર્યો હતો,
આઘાત દુર્દશાનો હતો કોણ માનશે?

રુસ્વા કે જે શરાબી મનાતો રહ્યો જગે,
માણસ બહુ મઝાનો હતો કોણ માનશે?

થોડોય પરિચય નથી છતાં સંબંધ છે,
લાગે છે હ્રુદયની આ લાગણીઓ અંધ છે.

કોઈ ખીલેલું ફૂલ ખરે ભર વસંતમાં,
વીતેલ સૌ પ્રસંગ નીખરવા પ્રબંધ છે.

છવાઈ ગઈ છે પાનખર ચમનમાં તે છતાં,
અહીં પાન પાનમાં વસંતની સુગંધ છે.

ભવરણમાં એતલે જ ભટકતો રહ્યો સદા,
જોયું'તું મેં પ્રભુને ઘેર દ્વાર બંધ છે.

જેના હતા અમે એ અમારા ન થઈ શક્યા,
મિસ્કીન જિંદગીમાં રઝળતા સંબંધ છે.

મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહો
તેજમાં તેજ મળી જાય તો મૃત્યુ ન કહો
રાહ જુદો જો ફંટાય તો મૃત્યુ ન કહો
શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો.

દીર્ઘ યાત્રાની જરૂરતથી સજ્જ થઈ જઈને
એક મંઝિલની લગન આંખે ઉતરવા દઈને
ભાનની ક્ષણને કાળજીથી સમેટી લઈને
‘આવજો’ કહીને કોઈ જાય તો મૃત્યુ ન કહો.

જે નરી આંખે જણાયું ન એ તત્વ કળવા
જે અગોચર છે એ અસ્તિત્વને હરદમ મળવા,
દૂર દુનિયાના રહસ્યોનો તાગ મેળવવા
દ્રષ્ટી જો આંખથી છલકાય તો મૃત્યુ ન કહો.

શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે
ભાન ની સૃષ્ટીની સિમાને પરખવા માટે
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે
કોઈ મહેફીલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.

મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,
એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.

શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.

હર પ્રભાતે ચેતવે છે કૂકડાઓની પુકાર,
જો ઉષાના દર્પણે તારા જીવન કેરો ચિતાર;
જાગ ઓ નાદાન, વીતી રાત આખી ઊંઘમાં,
આયખું એમ જ ઘટી જાશે કદી કીધો વિચાર ?

-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

હાથ આવ્યું હતુ હરણ છૂટ્યું,
હાય! મારું એ બાળપણ છૂટ્યું!

એમનું પણ હવે શરણ છૂટ્યું,
જિન્દગી છૂટી કે મરણ છૂટ્યું!

પગથી છૂટી જવાની પગદંડી,
એમનું જો કદી રટણ છૂટ્યું!

મદભરી આંખ એમની જોતાં,
છૂટી ન વાણી ન વ્યાકરણ છૂટ્યું!

કોઈની આશને ઘરણ લાગ્યું,
કોઈની આશનું ઘરણ છુટ્યું!

પણ હતું – એમનાથી નહીં બોલું,
મોતની બાદ પણ ન પણ છૂટ્યું.

સ્વપ્નમાં એમનાથી રસ-મસ્તી,
નીંદ છૂટી ન જાગરણ છૂટ્યું!

એમનાં પગ પખાળવા કાજે,
આંખથી ફૂટીને ઝરણ છૂટ્યું.

તું અને પાર પામશે એનો?
બુધ્ધિ, તારું ન ગાંડપણ ન છૂટ્યું.

કોણ ‘શયદા’ મને દિલાસો દે!
ચાલ, તારું જીવન-મરણ છૂટ્યું.

- ‘શયદા’

પર્વતને નામે પથ્થર,દરિયાને નામે પાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની?
ઇચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.

આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,
મારે ઘરે પધારો ઓ ગંજીપાની રાણી.

ક્યારેક કાચ સામે, ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી.

થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

ખબર નથી એને હું શું કહી ગયો
પ્રેમ મારો આસુંની ધારમા વહી ગયો
મળવાની છેલ્લી તક પણ ગુમાવી મે..
જ્યારે એને બીજો જીવનસાથી મળી ગયો
બિલકુલ ન હતો ગમ મને હ્યદયમાં....
બધુ જ ચુપચાપ સહી ગયો..
સ્વપ્ન થકી હજી હું નિહાળી લઉ છું એને,
બાકી તો જીવતો જ સાગરમાં ડુબી ગયો,
મિત્રોના સાથમાં હસી લઉ છું જરાક હું
નહિતર માર દર્દ તો ચુપચાપ જ પી ગયો,
રડાવી જાય છે ક્યારેક એની યાદ મને...
કારણ કે મારો 'પહેલો પ્રેમ અધુરો રહી ગયો'.........

આ સંસાર સાગરમાં, તરી જવુ છે
નામ રોશન જગતમાં, કરી જવુ છે

દુનિયા ભુલી ન શકે મને કોઇ કાળે
એવુ કંઇ મરતા પહેલા કરી જવુ છે

તને હું મેળવી શક્યો જ નથી કદી
છતાં જુદાઇના ડરથી, ડરી જવુ છે

તારી આંખોમાં ઉતરવા દે મને
મારે ત્યાં મંઝિલ સુધી, તરી જવુ છે

તારી આંખોનું આંસુ બનીને મારે
પાંપણથી હોઠ સુધી, સરી જવુ છે

તારા હૃદયના દરેકે દરેક ખુણે
તારી ધડકનો થઇ, ધડકી જવુ છે

સંબંધોના સથવારે મળતા રહીશું.
એકમેકના પ્રેમમાં ઓગળતા રહીશું.

ને સજાવી વસંતોની એ યાદોને.
છેવટે પાનખરમાં નીખરતાં રહીશું.

આમ તો વસીએ ભુમી પર પણ,
નભના તારા સમ ખરતા રહીશું.

નથી આમતો હું ચાંદનીનું તેજ,
પણ અમાસમાંય મળતા રહીશું.

ખેલ નીત નવા દેખી આ જગતના,
સાપસીડીમાં સદાય લપસતાં રહીશું.

ઉગે સુર્ય આથમણે કદીક જો,
તો ગગનમંડળે સદા ચમકતા રહીશું.

Monday, August 6, 2007

ચોરીને દિલ મારું તમે શરમાવ છો કેમ ?
રાખવું હોય તો રાખો હવે ગભરાવ છો કેમ ?
જમાનાની શરમ કાજે ભલે નીચું જુઓ છો પણ,
કરી ને કર્યા નીજ હાથે હવે પસ્તાવ છો કેમ ? ? ?


---

સાગર પૂછે રેતી ને તને ભીજવુ કે નહી સાગર પૂછે રેતી ને તને ભીજવુ કે નહી
રેતી મનમા રૉય પડી,આમ તે કાઈ પુછી પુછી ને થતા હસે પ્રેમ................

----

જીવનના સવાલ હું રાખીશ જવાબ તમને અર્પણ,
ખાલી જામના પ્યાલા હું રાખીશ શરાબ તમને અર્પણ,
મિત્રતા કરી છે તમારી સાથે કોઇ રમત નથી કરી,
કાંટાઓની વેદના હું રાખીશ ગુલાબ તમને અર્પણ....

આભાર તારો કે આવી મિત્રતા આપી,

આપણા સંબંધમાં કેવી સુંદરતા આપી,

દુનિયામાં લોહીના સંબંધ પણ તુટીં જાય છે,

પણ મને દોસ્તીમાં પણ કેવી પવિત્રતા આપી...

કોઇ પણ વાત કહી શકીએ છીએ એક-બીજાને,

મિત્ર તે દુઃખ દુર કરવાની કેવી સત્ત્તા આપી,

નહિ છોડી શકીએ આ મિત્રતાને કોઇ પણ રીતે,

આપણા સંબંધમાં પ્રભુંએ પણ કેવી અટ્ટુટતા આપી,

હું અપૂર્ણ હતો તમારી મિત્રતા વિના,

તમે સાથ આપી કેવી પૂર્ણતા આપી......

અરે ઓ ગરમ મસાલેદાર વાનગી..
રાજકોટના પેંડા.. ભાવનગરના ગાંઠીયા..
જામનગરના ગુલાબજાંબુ ને વડોદરાનો ચેવડો...

ઓરી આવે તો તને વાત કહુ ખાનગી
તુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

વાળ તારા ખંભાતી સુતરફેણી, ગાલ તારા સુરતની ઘારી
રાજકોટના પેંડા જેવી તુ છે કામણગારી
માવા જેવી માદક જાણે, મોહબ્બતની મિજબાનગી
તુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

હોઠ તારા અમદાવાદી શરબતની દુકાન
એ શરબતનો તરસ્યો છુ હું રંગીલો જુવાન
પીવું પીવું પણ પ્યાસ ન બુઝે, હોઠોને હેરાનગી
તુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

કુંવલ સાડી હાફુસ મીઠી, ચોરવાડની કેસર કેરી
ભાવનગરના ગાંઠીયા જેવી આંગળીયો અનેરી
મોળો માણસ આરોગે તો આવી જાય મર્દાનગી
તુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

કતાર ગામની પાપડી જેવી આંખ્યુ આ અણીયાળી
જામનગરના ગુલાબજાંબુ જેવી તુ રસવાળી
તુજને ખાવા માટે ના લેવી પડતી પરવાનગી
તુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

જીભ તારી મરચું મોંઢલું બોલે બોલે તિખુ તમતમ
ભેજું છે નડીયાદી ભુંસું સાવ ખાલીખમ
તુ વડોદરાનો લીલો ચેવડો, ખાતા આવે તાજગી,
તુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

ઓરી આવે તો તને વાત કહુ ખાનગી
તુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી