Saturday, June 30, 2007

આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી.
એક મુદ્દત થઇ કે, તેઓ હા કે ના કહેતા નથી.

લ્યો નવાઇ આપની શંકા સુધી પહોંચી ગઇ.
બસ હવે આગળ અમે દિલની કથા કહેતા નથી.

એને તું સંયમ કહે, તારી કૃપા કિંતુ અમે,
મનમાં નબળાઇ છે તેથી દુર્દશા કહેતા નથી.

એ જ લોકો થઇ શકે છે મહેફિલોની આબરૂ,
જેઓ વેરાનીને પણ સૂની જગા કહેતા નથી.

બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી.

થોડીક શીકાયત કરવી'તી,
થોડાક ખુલાસા કરવા'તા,
એ મોત જરા રોકાઈ જતે,
મારે પણ બે ચાર કામ હતા,
જીવનની સમી સાંજે ઝખ્મોની યાદી જોવી'તી,
બહુ ઓછા પાના જોઈ શક્યો,
બહુ અંગત અંગત નામ હતા....

Wednesday, June 27, 2007

કેવી રીતે મનની વાત કહું હું, આ દુનિયાની ભાષાઓમાં,
પ્રેમ ક્યાં બનવાનો છે, આ શબ્દોની સીમાઓમાં,

કંઇ જ નથી મારી પાસે, ખુદને તમને સોંપી રહ્યો છું,
સાથ નિભાવીશ જીવનભર, આ જ સંદેશો મોકલી રહ્યો છું,

નાના-નાના સપનાઓ મારા, નાની સરખી જ આશા છે,
હળીમળીને સુખ-દુઃખ વહેંચીએ, બસ આટલી જ અભીલાષા છે...

ચાહે જે મને દિલથી,
તેવી ચાહનાર શોધું છું,
વફાનો બદલો આપે વફાથી,
તેવી વફાદાર શોધું છું.
વિશ્વાસનો બદલો આપે વિશ્વાસથી,
તેવી વિશ્વાસુ શોધું છું.
દોસ્તીનો બદલો આપે દોસ્તીથી,
તેવી દોસ્ત શોધું છું.
દુઃખમાં જે આપે સાથ,
તેવો સાથી શોધુ છું.
જે સમજે દિલની વાત,
તેવી દિલરુબા શોધુ છું.
ખીલવે જે આ બગીચાને
તેવી વસંત શોધુ છું......

હોય પૂનમની રાત એમા આમ તો કંઇ નથી,
રાતની છે વાત એમા આમ તો કંઇ નથી.

આગ્રહ હું કરતો રહું અને આપ પણ ના-ના કરતા રહો,
છે વિનયની વાત એમા આમ તો કંઇ નથી.

આપ વિના સુનુ જીવન મારું આપથી છે આબાદ,
છે હ્યદયની વાત એમા આમ તો કંઇ નથી,

રૂપ તો ક્યાં નથી પણ જોયુ કેવળ આપને,
છે નજરની વાત એમા આમ તો કંઇ નથી,

આપને મળવાની આશાએ જનમતો મરતો રહું છું,
છે ધીરજની વાત એમા આમ તો કંઇ નથી...

ખુશ છું હું, પડછાયો પણ લંબાય છે !
દૂ…ર અજવાળું ખરેખર થાય છે.

દૂર જ્યારે પહોંચથી કંઈ થાય છે,
ત્યારે ક્યાં અંતર કોઈ વર્તાય છે ?

ના ગમે એ વાત કોરાણે મૂકી
કેવી શાંતિથી એ ભૂલી જાય છે !

એના દિલમાં ચોર આવ્યો એ પછી,
એ બધા પર કંઈ ને કંઈ વહેમાય છે.

ચાહ માણસની મહત્તમ જ્યારે થાય,
શાંત મધદરિયા સમો દેખાય છે.

યાદના પાણીમાં તારી એક ઠેસ…
ક્યાં સુધી મારામાં વર્તુળાય છે !

-વિવેક મનહર ટેલર

ખુદ તો બની શકું છું હું, છોને ખુદા નથી,
કણ થઈ શકું તો ખૂબ, ભલે અર્બુદા નથી.

ભીતર ભલે ને હો હવા, કાયા તો એ જ છે,
ફૂટીને જળમાં ના ભળે એ બુદબુદા નથી.

શ્વાસોના સઢ ફરક્યાં પવન શબ્દનો લઈ,
એના વિના આ હોડીનો કો’ નાખુદા નથી.

મારી ગઝલમાં કેમ જીવન મારું ધબકે છે?
શબ્દો ને શ્વાસ એક છે મારાં, જુદા નથી.

યુગો પછી જોવા મળશે ચિર-પરિચિત ચહેરો
સંભાળજે ઓ દિલ મારા! એ આવે છે.
ગંભીરતા તો એને લગીરેય ગમતી નથી
બની જા ઓ દિલ આવારા! એ આવે છે.
ઝરણ બની ફૂટી નિકળશે સમય-શીલા પરથી
નદી, સંકોચી લે ધારા! એ આવે છે.
પૂનમની રાત છે અને ચંદ્ર નથી ઊગ્યો?
ચિંતા ન કરો સિતારા! એ આવે છે.
ક્ષણ માટે આવશે ક્ષણમાં ચાલી જશે
થંભી જાઓ પલકારા! એ આવે છે.
પદરવ સાંભળતી વખતે ખલેલ ન જોઇએ કોઇ
બંધ થઇ જા ધબકારા! એ આવે છે.

યાદ કોઇની વીસરવા એક ભવ ઓછો પડે,
એ અગનજ્વાળાને ઠરવા એક ભવ ઓછો પડે

તું કે જેના હોઠ પર ફરિયાદ વિણ કંઇ પણ નથી,
ને મને નિ:શ્વાસ ભરવા એક ભવ ઓછો પડે.

રૂપ છે નમણી પ્રતિભા હાય ! કિન્તુ દબદબો !
ફૂલ પણ એકાદ ધરવા એક ભવ ઓછો પડે.

દૂર હરદમ દૂર ઓ મન ! ધર્મના ભેદો થકી,
એ વમળમાથી ઉગરવા એક ભવ ઓછો પડે.

આચમન એનું મળે તો પણ ‘મુસાફિર’ ધન્યતા,
આ ગઝલ-સિન્ધુને તરવા એક ભવ ઓછો પડે.

યાદ તારી આવતાં જ,
ચૂપચાપ રડી લઉં છું હું.
સપનામાં તું સતાવે તો,
રાતભર જાગી લઉં છું હું.
તું નજરે ન પડે તો તારી,
તસવીર જોઇ 'લઉં છું હું.
રિસાઇને તું ચાલી જાય તો,
દિલને મનાવી લઉં છું હું.
યાદોથી હું ક્યાં લગી જીવું ?
ક્યારેક તો પ્રત્યક્ષ આવી જા તું...

કોઇવાર કોઇની પ્રીત પણ તકલીફ આપે છે.
આંખોને ગમે તે રીત પણ તકલીફ આપે છે.
હમેંશા હારથી નથી હારી જતો માણસ,
કોઇવાર જગતમાં જીત પણ તકલીફ આપે છે....

Saturday, June 23, 2007

રાત રડતી અને સરે ઝાકળ,
પુષ્પની આંખથી વહે ઝાકળ.
ઘાસને પાપ લાગે નૃસ્પર્શે,
રોજ એ ધોઈને હરે ઝાકળ.
તો ઉષા બળતી હોત ભડકે પણ,
ઠારવા સૂર્યને બળે ઝાકળ.
દર્દ હો કે ખુશી જીવનની હો,
બેયમાં આંખમાં તરે ઝાકળ.
એક સ્થળે ભેજ જો ભીતરનો ઠરે,
એ હવા ! તો જ એ બને ઝાકળ.
બાથમાં આખું નભ સમાવે, ને
પુષ્પના પાંદમાં રહે ઝાકળ.
હું તો શું ? કાવ્ય પણ ભીંજાયા છે,
મન-વિચારોને જો અડે ઝાકળ.

કયા કારણોથી ને કોના પ્રતાપે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?
કહો, કોણ કોના હિસાબો તપાસે ? તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

હતો મૂળનો ને રહ્યો મૂળમાં હું, તમે ચાલ સમજી લીધી’તી સમયની,
બનીને મજાના ફળ ઊંચેરી ડાળે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

હતી શ્વાસમાં જે દિશાઓ, હવાઓ અને સાથે રહેવાની વણખાધી કસમો,
છું હું એ જ છાતીના તૂટ્યા પ્રવાસે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

મળો ઝંખનામાં, મળો યાદમાં ને મળો સ્વપ્નમાં પણ ને અલમારીઓમાં
દબાયેલા આલ્બમના એકાદ પાને તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

કદી એક રાવણ, કદી કંસ એક જ હતા પૂરતા તમને અવતારવાને,
અમે આજે લાખો-હજારો વચાળે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

વિરહ, ઝંખના, યાદ, દુઃખ સઘળું ટાઢું, કયા ફેફસાંમાંથી હું આગ કાઢું ?
પવન જોઈએ જે અગનને જીવાડે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

સમય, શબ્દ ને અર્થની બહાર આવી, બધી ઈચ્છા ત્યાગી ને હોવું વટાવી,
ઊભો છું ક્ષિતિજપારના આ મુકામે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

Wednesday, June 20, 2007

તુ ચાલી ગ ઇ જીવનમાંથી તો ક્યુ આભ ફાટ્યુ?
થાય છે અસર ઢેફાને પાણીથી કાળમીંઢ પીગળતા નથી.
એટલી સલાહ આપી શકું બચીને રહેજે અમારાથી
છીએ એક ગ્રહણ, લાગી જાય તો પછી ટળતા નથી.
ભુલથી પણ સામે ન આવતી આવતા જન્મે,
નનામી સાથે કદી નફરતના બીજ બળતા નથી.
થોડી મુશ્કેલી પડે અને ખરી પડે એ નાજુક સિતારા
અમે એ સુર્ય છીએ જે સંધ્યા સમયે પણ ઢળતા નથી.
આજે ખબર પડી પ્રેમમાં પણ લાયકાત જરૂરી છે.
સરિતા જ સક્ષમ હોય, સરોવર સાગરમાં ભળતા નથી.
હવે જ મારો જિંદગી સાથે સાચો ઘરોબો થયો
ગાંઠ બંધાઇ હતી કે ખોવાયેલા રત્નો મળતા નથી.

દરિયામાંથી મોજા કાઢી નાખશો તો બાકી શું વધશે?
પંખીડાની પાંખો કાપી નાખશો તો બાકી શું વધશે?

એક જ ચીજ બાકી રહી ગઇ છે સકળ જગતમાં
બ્રહ્માંડની પહોળાઇ માપી નાખશો તો બાકી શું વધશે?

આચ્છાદિત રહેવા દો એમને ગુમનામ રહેવા દો
ભુતકાળને ઝાપટી નાખશો તો બાકી શું વધશે?

પહેલી જ વાર આવ્યા હોય બાદશાહ, બેગમ, ગુલામ
શ્વાસોના પત્તાને ચીપી નાખશો તો બાકી શું વધશે?

Sunday, June 17, 2007

તમે તો ચાલ્યા જશો, તમારા પડછાયા રહી જશે,
નિભાવવાના જે વા'દા, તે ફકત વા'દા જ રહી જશે.

વિતેલા દિવસો તમે તો, ભૂલી જશો ઘડીક માં,
પણ જિંદગીભર અમને, એ તડપાવતા રહી જશે.

અદાઓ બધી તમારી, કલામય લાગે છે,
નજર પડશે કોઈ કલાકારની, તો ચિત્રો બનાવતો રહી જશે.

સજીધજીને આમ, બહાર ન નીકળશો,
નહીં તો આ જોઈ કુદરત પણ, હેરાન થઈ જશે.

વારંવાર તમે આમ, શમણામાં ન આવો,
નહીં તો આ "શૈલ" તમારી, કવિતા બનાવી દેશે.

Monday, June 11, 2007

મ્રુત્યુ ના જતુ રહે ધ્યાન રાખુ છુ,
મારા હર એક સ્વાસ ને સાવધાન રાખુ છુ,
મારા અરમાનો ની હોળી કોઈ શુ કરશે?
હ્રદય માં જ સળગતુ સ્મશાન રાખુ છુ.

શ્વાસ તો ખૂટી જવાને હોય છે,
પરપોટો ફૂટી જવાને હોય છે.
લાખ એને સાચવે આંખો છતાં
સ્વપ્ન તો તૂટી જવાને હોય છે.

લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.

એની બહુ નજીક જવાની સજા છે એ,
મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો.

રહેતો હતો કદી કદી ઝુલ્ફોની છાંયમાં,
મારા નસીબમાંથી એ અંધકાર પણ ગયો.

સંગતમાં જેની સ્વર્ગનો આભાસ હો ખુદા,
દોઝખમાં કોઈ એવો ગુનેગાર પણ ગયો ?

એ ખુશનસીબ પ્રેમીને મારી સલામ હો,
જેનો સમયની સાથે હ્રદયભાર પણ ગયો ?

એ પણ છે સત્ય એની ઉપર હક નથી હવે,
એવુંય કંઈ નથી કે અધિકાર પણ ગયો.

સાકી છે સ્તબ્ધ જોઈ નશાની અગાઢ ઊંઘ,
પીનારા સાથે કામથી પાનાર પણ ગયો.

કેવી મજાની પ્રેમની દીવાનગી હશે !
કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો.

Thursday, June 7, 2007

કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે,

કળીઓને ગલીપચીથી હસાવી નહીં શકે.



મારા કવનનું આટલું ઊંડું મનન ન કર,

કંઈ યાદ થઈ જશે તો ભૂલાવી નહીં શકે.



ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન,

એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે.



અંતિમ દર્દ હોય તો આવે છે સ્તબ્ધતા,

સાચો વિરહ છે એ જે રડાવી નહીં શકે.



તે વેળા માન તારી મહત્તા બધી ગઈ,

જ્યારે તને કશું ય સતવી નહીં શકે.



એવા કોઈ સમયને હું ઝંખું છું રાતદિન,

તું આવવાને ચાહે, ને આવી નહીં શકે.



એક જ સલામતી છે કે પડખામાં દિલ રહે,

એ બહાર જો જશે તો બચાવી નહીં શકે

સૂતાં હશો તો ખ્વાબમાં આવી જઇશ હું.
સારા બદનમાં ફૂલ થઇ મહેંકી જઇશ હું.

એકાંત જ્યારે સાલશે મારા અભાવનું,
કાગળ થઇને ક્યાંકથી પહોંચી જઇશ હું.

આકાશ તારી આંખનું ખૂલતું જતું હશે,
સૂરજની જેમ એ મહીં ઊગી જઇશ હું.

તારી ઘણી ય ‘હા’ હતી ‘ના’ના લિબાસમાં,
કહેવા હવે જો ‘ના’ હશે, જીરવી જઇશ હું.

તમે આઘા ખસો તો કેટલો લંબાય છે રસ્તો
નિકટ આવો તો આંખોમાં સમાતો જાય છે રસ્તો

તમે ચેતાવતા રહો છો છતાં પણ ઠેશ વાગે છે
તમે સામે હો ત્યારે ક્યાં મને દેખાય છે રસ્તો

કહો આ આપણા સંબંધની ના કઈ રીતે કહેશો?
કે મારે ત્યાંથી નીકળી આપને ત્યાં જાય છે રસ્તો

તમારી સોબતી છે એ, તમે આ ટેવ પાડી છે
નજરથી દૂર જઈને એટલે સંતાય છે રસ્તો

જતો’તો એમને ત્યાં, એ રીતે સામા મળ્યા તેઓ
પૂછીપૂછીને પુછાયું કે આ ક્યાં જાય છે રસ્તો

જતું રહેવું તમારું પગ પછાડીને જતું રહેવું
અહીં હું ખાલીખમ બેઠો અને પડઘાય છે રસ્તો

પ્રતીક્ષા નહિ કરો તો પણ એ કરવાની ફરજ પડશે
જુઓ ‘નાદાન’ બારીમાંથી ખુદ ડોકાય છે રસ્તો

લોકો જ્યારે રોવે ત્યારે શ્વાસ કરી બંધ
ગુફામાં પુરાઇ રે'વું મને ના પસંદ;
દીન હીનના પડે પોકારો પડછંદ
તે સમે કરી રહું આ કર્ણ કેમ બંધ ?

એવું સંતપણું મને કો'દી ના પસંદ
જેને નહીં દેશનો કે સૃષ્ટિનો સંબંધ;
દેશની ગુલામી દુઃખ સૃષ્ટિના કલંક
જોવાં છતાં જેનામાં ના કરુણાની ગંધ !

સૃષ્ટિમાં છે દુઃખ, નથી પ્રજ્ઞવેશે પંથ,
ત્યાં લગી શેં નીંદ મને, કેમ વળે જંપ;
કિન્તુ તો ઉતાવળે કરી કરું શું જંગ,
સાધનાની શક્તિ મારે પામવી અનંત.

સૃષ્ટિ સારુ સાધના હશે મારી અખંડ,
પામશે સાફલ્ય બની સાધના જ્વલંત;
તું ય મારી સાથે રે'જે યજ્ઞમાં અનંત !
સૃષ્ટિ ના જોઇ શકાયે કેમ કરી બંધ !

Tuesday, June 5, 2007

પ્રેમનો એકરાર કરવામાં જરાક મોડો પડ્યો
એમનું દિલ જીતવામાં જરાક મોડો પડ્યો
બંધ દરવાજો ખખડાવીને તેઓ ચાલ્યા ગયા
સ્વપ્નમાંહેથી આંખો ખોલવામાં જરાક મોડો પડ્યો.
મૌનને પણ વાંચવમાં હતો વિશાલ કાબેલ
આંખના ઇશારા સમજવામાં જરાક મોડો પડ્યો
વર્ષોની તમન્ના હતી જેની જીંદગીને એ
મરણ હાથતાળી આપી છટક્યું જરાક મોડો પડ્યો

શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે એ પ્રેમ છે,
આશનો અવકાશ જ્યાં પણ શૂન્ય છે એ પ્રેમ છે.

હક, અપેક્ષા, શક, અહમ્ ના પંક ની વચ્ચેથી કોઈ,
પદ્મ સમ નિર્મળ અગર ખીલી શકે એ પ્રેમ છે.

બેકરારી વસ્લ માં, પીડા વિરહ માં કત્લની,
એટલું સમજી શકો કે કેમ છે એ પ્રેમ છે.

‘તું નથી’ ની વાસ્તવિક્તા કષ્ટ દેતી બંધ થઈ,
શ્વાસમાં, ઉચ્છવાસ માં બસ, તું વહે એ પ્રેમ છે.

બાદબાકી તુજ ની, તારાં સ્પર્શ, યાદો, સાથની,
શેષ મારામાં પછી જે પણ બચે એ પ્રેમ છે.

શબ્દ થઈ મુજ શ્વાસ માં બસ તું સદા વહેતી રહે,
આ ગઝલ શબ્દો નથી કંઈ, આ જે છે એ પ્રેમ છે.

રાત આખી બેકરારી થઈ મને ડંસતી રહે,
ને સવારે શબ્દ થઈ ચૂમે મને એ પ્રેમ છે.

આશાઓ પર પાણી ફરી જતાં વાર નથી લાગતી
કિનારે આવી ડૂબી જતાં વાર નથી લાગતી
જીતનો જલસો માનવાની ઉતાવળ ન કર
જીતેલી બાજી હારી જવામાં વાર નથી લાગતી
તારી ઊંચાઇનું નાહક અભિમાન ન કર
કે મિનારોને તૂટી જવામાં વાર નથી લાગતી
બાંધ્યો છે માળો તો જરા દિલથી જતન કર
કે માળાને પીંખાઇ જતાં વાર નથી લાગતી
માણી લે હર એક પળ તું આજે
આંખોને મિંચાઇ જતાં વાર નથી લાગતી.

કોઇની પણ વાતમાં પડતો નથી,
એટલે હું કોઇને નડતો નથી.

જે ઘડીએ જે મળ્યું મંજૂર છે,
ભાગ્ય સાથે હું કદી લડતો નથી.

કોણે છલકાવ્યા નજરના જામને,
આમ તો હું જામને અડતો નથી.

હામ હૈયામાં છે મારા એટલે,
ઠોકરો ખાઉં છું પણ પડતો નથી.

માંગું અગર હવા ય તો કહેશે કે તાણ છે,
દુનિયાથી મારે સાવ નવી ઓળખાણ છે.

શબ્દો છે શ્વાસ મારા અને કાવ્ય પ્રાણ છે,
ચારેતરફ આ લોહીમાં અક્ષરની આણ છે.

સિદ્ધાર્થમાંથી હર ક્ષણે ગૌતમ બનું છું હું,
લોહીનું શબ્દે-શબ્દે કલમમાં પ્રયાણ છે.

ઇંદ્રિયના આ ઢોરને કાબૂમાં કરશો કેમ?
દરવાજા છોને બંધ હો, ખુલ્લી ગમાણ છે.

અણઆવડતનું બહાનું હવે કેમ કાઢશો?
ઊભા છો જ્યાં આ પાણી તો ઢીંચણસમાણ છે.

બોલે જો હોઠ જૂઠું, સીધું આંખમાં જુઓ,
વર્ષો જૂનો ઇલાજ છે પણ રામબાણ છે.

બે-ચાર શ્વાસ સુધીની તકલીફ છે બધી,
આગળ પછી આ રસ્તામાં સીધું ચઢાણ છે.

'તમે ', 'તમે' ફ્ક્ત તમે જ છો,
મારા હ્યદયમાં દસ્તક દેનાર 'તમે' છો,
મારાં સ્વપ્નોમાં-વિચારોમાં હરહંમેશ રહેતા 'તમે' જ છો,
મારી આંખોના દરેક પલકારે આવતા-જતા'તમે' જ છો,
મારી આંખોના દરેક વહેતા અશ્રુમાં 'તમે' જ છો,
મારા તન-મનમાં રોમ-રોમમાં સમાયેલા 'તમે' જ છો,
મારા હ્યદયને હચમચાવનાર,
ભાન ભુલાવનાર-મારી ઊંઘ બગાડનાર 'તમે' જ છો,
જાગતાં-ઊંઘતાં,ઊઠતાં-બેસતાં,
મારા મનને વલોવનાર 'તમે' જ છો,
મારા જીવનમાં ઓજસ પાથરનાર 'તમે' જ છો,
દૂર-દૂર રહીને મારા મનને તડપાવનાર પણ 'તમે' જ છો,
'તમે','તમે' ફક્ત તમે જ છો....

આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી.
એક મુદ્દત થઇ કે, તેઓ હા કે ના કહેતા નથી.

લ્યો નવાઇ આપની શંકા સુધી પહોંચી ગઇ.
બસ હવે આગળ અમે દિલની કથા કહેતા નથી.

એને તું સંયમ કહે, તારી કૃપા કિંતુ અમે,
મનમાં નબળાઇ છે તેથી દુર્દશા કહેતા નથી.

એ જ લોકો થઇ શકે છે મહેફિલોની આબરૂ,
જેઓ વેરાનીને પણ સૂની જગા કહેતા નથી.

બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી.

પ્રેમ કરે એને જગત માફ નથી કરતુ
કોઇ એની સાથે ઇન્સાફ નથી કરતુ
લોકો પ્રેમ ને પાપ કહે છે
પણ કોણ એવુ છે જે આ પાપ નથી કરતું

હૈયે હરખ ઘણોય થાય છે
કે આજે પરિક્ષા પૂરી થાય છે
ચાલો વગાડીએ ઢોલ-નગારા
કે આજે પરિક્ષા પૂરી થાય છે
ઉજાગરાથી આંખો છે રાતી
મારી મહેનતની ચાડી ખાતી
છતાં થાક ના અનુભવાય છે
કે આજે પરિક્ષા પૂરી થાય છે
ફગાવી દફતર પાટી પેન
હું ચાલ્યો રમવા એન-ઘેન
હવે ગણવેશમાં ડાઘા થાય છે.
કે આજે પરિક્ષા પૂરી થાય છે
હવે તો છૂટથી હરીશું-ફરીશું
વહેતા પવનની સાથે રમીશું
સમયનું બંધન ના જણાય છે
કે આજે પરિક્ષા પૂરી થાય છે

છે ડૂબવાની મજા મજધારે, સાહિલ કોને જોઈએ છે?
ફના થઈ જવું છે કેડી પર, મંઝિલ કોને જોઈએ છે?

શું સાથે લાવ્યા હતા? શું સાથે લઈ જવાના?
બે ગજ બસ છે, બ્રહ્માંડ અખિલ કોને જોઈએ છે?

અમે તો છીએ પ્રત્યંચા, ધુરંધારી પાર્થના ગાંડિવની,
નથી કાંઈ પતંગની દોર, ઢીલ કોને જોઈએ છે?

થોડી લાગણી બતાવી, અમારે મન અહો-અહો,
જિંદગી આરામથી પસાર થશે, દિલ કોને જોઈએ છે?

ફેફસામાં પુરી રાખી છે, કોઈની યાદોને અકબંધ,
નથી કાંઈ અનલ, હવે અનિલ કોને જોઈએ છે?

જિંદગીથી કંટાળી જઈશું ત્યારે ચોક્કસ યાદ કરીશું,
એક નજર કરી લેજો, વિષ કાતિલ કોને જોઈએ છ

અરમાનો ને રોકે તેવી કોઇ મિનાર હોય તો સારુ,
દિલની ઇચ્છાઓ ને રોકે તેવી દિવાલ હોય તો સારુ,
મારે મૃત્યુ પછી પણ એમને જોવા છે,
મારી કબરમાં નાની તિરાડ હોય તો સારુ.....

કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને,
જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને !

તારા વિના અહીં તો છે ધુમ્મસ ફક્ત બધે,
તારી ગલીમાં કેવા છે તડકાઓ લખ મને !

અકળાઈ જાઉં એવા અબોલા ન રાખ તું,
તારા જ અક્ષરો વડે ઝઘડાઓ લખ મને !

કોઈ મને બીજા તો સહારા નહીં મળે,
અમથા જ તારે હાથે દિલાસાઓ લખ મને !

મારા જીવનનો પંથ હજી તો અજાણ છે,
ક્યાં ક્યાં પડ્યાં છે તારાં પગલાંઓ લખ મને !

અમસ્તી કોઈ પણ વસ્તુ નથી બનતી જગતમાંહે

કોઈનું રૂપ દિલના પ્રેમને વાચા અપાવે છે

ગઝલ સર્જાય ના દિલમાં દાહ લાગ્યા વિણ

પ્રથમ ઘેરાય છે વાદળ, પછી વરસાદ આવે છે..!!

Monday, June 4, 2007

પાંદડી થઇ પુશ્પની, વીકસી તો જો.
ને માસુમ ડાળ પર વીલસી તો જો.

માનવના આયખાને પામનારા દોસ્ત!
નીતનવા ખોળીયામાં શ્વસી તો જો.

પાંખ થઇ પંખીની, પ્રસરી તો જો.
ને ગગનની ગરીમાને ગ્રસી તો જો.

શબ્દોની શમશેર પામનારા દોસ્ત!
કાગળ પર ધાર એની ઘસી તો જો.

મેહુલો થઇ મનથી વરસી તો જો.
ને સાગરને પામવા તલસી તો જો.

રોમરોમ અનુભુતી પામનારા દોસ્ત!
શાહીને સંવેદનાથી સ્પર્શી તો જો.

ખુદ તો બની શકું છું હું, છોને ખુદા નથી,
કણ થઈ શકું તો ખૂબ, ભલે અર્બુદા નથી.

ભીતર ભલે ને હો હવા, કાયા તો એ જ છે,
ફૂટીને જળમાં ના ભળે એ બુદબુદા નથી.

શ્વાસોના સઢ ફરક્યાં પવન શબ્દનો લઈ,
એના વિના આ હોડીનો કો’ નાખુદા નથી.

મારી ગઝલમાં કેમ જીવન મારું ધબકે છે?
શબ્દો ને શ્વાસ એક છે મારાં, જુદા નથી.

ગલતફહેમી ન કરજે, ઐશ માટે મયકશી નહોતી;
મને પણ શેખ! તારી જેમ આ દુનિયા ગમી નહોતી.

ખબર શું કે ખુદા પણ જન્મ આપી છેતરી લેશે?
જીવ્યો ત્યારે જ જાણ્યું કે એ સાચી જિંદગી નહોતી.

નથી એ દોષ તારો કે મળ્યાં છે, ઝાંઝવા, સાકી!
પીવા હું ત્યાં ગયો કે જ્યાં ઘટા કોઈ ચડી નહોતી.

બહુ કપરા દિવસ વીત્યા હતા તારી જુદાઈમાં;
કે નહોતી રાત જુલ્ફોની વદનની ચાંદની નહોતી!

મિલનની ઝંખના તો જો! કે તારી શોધ કરવામાં,
લીધી છે રાહ એવી પણ કે જે તારી ગલી નહોતી!

વિતાવી મેં વિરહની રાત એનાં સ્વપ્ન જોઈને;
કરું શું? મારી પાસે એક પણ એની છબી નહોતી.

મહોબ્બતમાં કશું ફળ ના મળ્યું; નિર્દોષતા તો જો!
રહી એ એવી જન્નત જ્યાં દખલ શયતાનની નહોતી.

હતી એક મુફલિસી પણ દોસ્ત, પડદામાં મહોબ્બતનાં,
હતાં ફાટેલ વસ્ત્રો, એ ફક્ત દીવાનગી નહોતી.

જે મારા પર દયા કરતા હતા, નહોતી ખબર એને,
કે એક અલ્લાહ વિના મારે જગતમાં કંઈ કમી નહોતી.

ન દો ઉપચારકોને દોષ મારા મોતને માટે,
એ કુરબાની હતી મારી, એ મારી માંદગી નહોતી.

રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એ જ કારણથી,
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી


અતલ અગાધ છે અગાશી છે.
છે અંતરીક્ષ કે ઉદાસી છે.

આંખ મીંચી દીધી છે કૈં જુગથી,
આપનો દર્શનાભિલાષી છે.

ચળે છે મેરુ છતાં એ ન ચળે,
જે શબ્દનો ચપળ પ્રવાસી છે.

ગણું છું મૌલવીના દર્પણમાં,
ટુકડા સાતસો ને છ્યાસી છે.

એના ચહેરા છે પળેપળ ઉપર,
છેક ઊંડે સુધી તલાશી છે.

કાં રઝળપાટ કરે નકશામાં,
જે અડોઅડ ઊભું છે : કાશી છે.

પ્રગટ થશે તો એ જ ભાષા છે,
ભીતરે માત્ર ભીમપલાશી છે.

ગઝલમાં શૂન્ય ગહન ઘૂઘવે છે.
ઈતિ સિદ્ધમ્ તું રત્નરાશિ છે.

પ્રેમ તો જુનો છે પણ કોણ કબુલાત કરે ?
પ્રેમમાં શબ્દો થકી કોણ રજુઆત કરે ?
વાત કરવાને છીએ બન્ને તત્પર,
પણ કોણ વાતની શરુઆત કરે ?

કેટલા વરસે મળી ગ્યા ‘કેમ છો?’
સાવ બસ ભૂલી ગયા’તા ‘કેમ છો?’

હું ફકત હસતો રહ્યો ઉત્તર રૂપે
એમણે પૂછ્યું’તું હસતાં ‘કેમ છો?’

શહેર છે ઓ દોસ્તો! આ શહેર છે.
કોઇ નહીં પૂછે અહીંયાં, ‘કેમ છો?’

અર્થ એના કેટલા એ કાઢશે?
કોકને પૂછ્યું’તું અમથા, ‘કેમ છો?’

આંખ મેં બારી તરફ માંડી ફકત,
કોઇએ પૂછ્યું કે ઘરમાં ‘કેમ છો?’

પૂછે છે જ્યારે તું, 'હું કેવી લાગું';
એક બે ત્રણ ગણી, હું ચોખટ ભાણી ભાગું.

જો કહું 'જેવા પણ છો એવા ગમો છો',
તો કહે છે 'તમને પૂછવું જ નકામું'.

'સારી' કહું તો કહે, 'વખાણતાંય આવડતું નથી',
ને છેડે જંગ જો ના ગમતો જવાબ હું આપું.

તુ ખુલ્લે આમ કહે, મારામાં ડ્રેસિંગ સેન્સ નથી,
હું ખાનગીમાં પણ એવું કહેતા ગભરાવું.

તને જોઇએ એવુ, હોય સૌ નજરો તારા પર,
ને ગુસ્તાખી સમજે મારી, નજર જો બિજૂ ઉઠાવું.

બિજાંને તો ટોકે, ન બનતા જોરૂ ગુલામ;
ને મને જાહેર માં તુ આંગળીયે નચાવું.

બિજાની આ શાયરી હોત તો તુ હસી લેતી,
પરાક્રમ મારું છે જાણી, દાણા-પાણી છોડાવું.

હસી-મજાક માં 'દેવ', લખતાં લખી તો નાખ્યું,
હવે કયામાત નો વખત વિચારી, તત-પપ થઇ જાવું

લે, આ મને ગમ્યું તે મારું
પણ જો તને ગમે તો તારું!

મારું, તારું ને ગમવું પણ,
લાવ,લાવ કરીએ સહિયારું!

તું જીતે ને થાઉં ખુશી હું,
લેને, ફરી ફરીને હારું!

ઈટ્ટા-કિટ્ટા એક ઘડીના,
બાકી સઘળું પ્યારુંપ્યારું!

હસિયેં રમિયેં મીઠું લાગે,
થૂ, આંસુ તો લાગે ખારું!

ગીત હોય તો શીદ અબોલા,
તું ઝીલી લે, હું લલકારું!

રમિયેં ત્યાં લગ હાથ રમકડું,
મોજ મહીં શું તારું-મારું!

સ્વાર્થ માટે સહું સગા થાય છે,
સ્વાર્થના નામે દગા થાય છે,
ક્યાં નિભાવે છે આજે દોસ્તી કોઇ,
દોસ્તો તો સાવ બેવફા થાય છે,
કરે છે જે સંકલ્પ સાથે રહેવાનો,
એ જ જલ્દી જુદા થાય છે,
ઘણા યુગો થઇ ગયા 'રામ' ગયા તેને,
રામના નામે આજે રાવણ બધા થાય છે,
આ જ ન્યાય છે પ્રભુ તારો ?
કે અહિંયા ગુનેગારોને નહીં
'નિર્દોષ'ને સજા થાય છે...

હોય મારો દાખલો ને તું મથે, તાળો મળે,
શક્યતા પૂરી છે ત્યાં સરવાળે ગોટાળો મળે.

મધ્યમાં જે શાંત છે, કાંઠે એ ફીણાળો મળે,
વાતમાં દરિયાની કોની વાતનો તાળો મળે !

પારદર્શક કાચ થઈને બહાર ક્યાં નીકળ્યાં તમે ?
આ નગર છે, અહીં શુકનમાં કાંકરીચાળો મળે.

આજે જે ડાળે હો જામી ભીડ ટહુકાઓની ત્યાં,
શક્ય છે ત્યાં કાલે ના માળો, ના ગરમાળો મળે.

રાહ નીરખે છે સદીઓની નપુંસક ફિતરતો,
આ સદીને ક્યારે એનો માટી મૂંછાળો મળે ?

શક્યતાઓ શ્રાપ પામી વાંઝણી હોવાનો જ્યાં,
એ જ મારા ઘરમાં ઈચ્છાઓ બચરવાળો મળે.

ઓઢીને સુરતીપણું ખુલ્લા ફરે છે શબ્દ સૌ,
ચેતજો ! આગળ ગઝલમાં શક્ય છે, ગાળો મળે.

ખીલીને સોળે કળાએ ઝળહળે છે ચાંદની,
કંઈ ને કંઈ બહાને ફરી તુજને અડે છે ચાંદની.

વાટ થઈ વગડામાં નક્કી તું જ પથરાઈ હશે,
એટલે તો ચોતરફ આ ટમટમે છે ચાંદની.

ચંદ્રના અરમાન વેરાયા હશે શું સૃષ્ટિમાં?
ફોજ તારાઓની લઈને નીકળે છે ચાંદની.

છે ઊછીનું તેજ તોયે ઠારતું, ના બાળતું,
લેણ-દેણીની રસમ ગર્વિત કરે છે ચાંદની.

આ અમાવસ બારમાસી થઈ મને પીડી રહી,
ચાંદ સમ તું ગઈ એ દિ’થી ક્યાં ઊગે છે ચાંદની ?!

શ્વાસમા મુજ તેજનો લય થઈ ગઝલ રેલાય છે,
જ્યારે-જ્યારે શબ્દને મારા અડે છે ચાંદની.

હ્યદય ઉપવન બની ગયું, તમે આવ્યા પછી,
મન મધુવન બની ગયું, તમે આવ્યા પછી,
જીવન મારું હતું વેરાન વગડા જેવું,
ખંડેર હવે ભવન બની ગયું, તમે આવ્યા પછી,
પ્રેમ પારસમણિ છે થઇ ખાતરી મને,
કથીર કંચન બની ગયું, તમે આવ્યા પછી,
લાખો દુઃખોથી ભરેલી મારી જિંદગી હતી,
સુંદર જીવન બની ગયું, તમે આવ્યા પછી,
તમારો પ્રેમ પામી ધન્ય બની ગયો,
દિલ પાવન બની ગયું, તમે આવ્યા પછી...

આ પ્રેમની રમત પણ કમાલ છે,
હાર હોય કે જીત એક સરખી ધમાલ છે,

નિરાળા એના નિયમ નિરાળી એની ચાલ છે,
હારેલા તો ઠીક તેમાં જીતેલા પણ બેહાલ છે....

જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં
પાલવ અડક્યાનો મને વ્હેમ છે
સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને, પછી
ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ?

આટલા અબોલા પછી આવો સવાલ, કહો
કેમ કરી ઊતરવું પાનું?
મૂંગા રહીએ તો તમે કારણ માનો ને, હોઠ
ખોલીએ તો બોલવાનું બ્હાનું !

હું તો બોલીશ છતાં માનશો તમે કે
હજી દુનિયા આ મારી હેમખેમ છે !

વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ, થઇ
ચાલતી દીવાલ થકી ઇંટો ?
ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો, કેમ
કોરો રહે સ્મરણોનો વીંટો ?

દુનિયાની વાત મૂકો, માનશો તમે કે, હજી
આપણી વચાળે જરી પ્રેમ છે ?

તમને સમય નથી અને મારો સમય નથી ,
કોણે કહ્યુ કે આપણી વચ્ચે મિત્રતા નથી.

રોકી રહી છે તમને તમારી શરમ અને
મારા સિવાય મારે બીજો કોઇ ભય નથી , તમને …

વિસરી જવુ એ વાત મારા હાથ બાર છે અને
યાદ રાખવુ એ તમારો વિષય નથી … તમને …

હુ ઇંતજાર મા ને તમે હો વિચારમાં
એ તો છે શરૂઆત કૈ આખર પ્રલય નથી…. તમને
રસ્તા બે અચાનક મળ્યા ,
વાતે વળગ્યા ને છુટા પડી ગયા.
ઝરણા બે અચાનક મળ્યા,
વાતે વળગ્યા ને ભળી ગયા.
આપને ન તો ઝરણા, ન તો રસ્તા,

ગમ નથી જો આંખ ના લુછે કોઇ પાલવ હવે,
જાળવે છે ધૈર્ય પોતે દર્દનુ ગૌરવ હવે...

ઝંખના નીષ્ફળ જતાં ઊઠી ગયો વીશ્વાસ પણ,
મનને ભરમવી નથી શકતો કોઇ પગરવ હવે.

જ્યાં લગી ના ઝંપલાવ્યું ત્યાં લગી ભ્ર્મણા હતી,
ક્યાંય સાગરમાં નથીૂ ઊંડાણ નો સંભવ હવે...

પ્રેમની ભુરહકીમાં શી તાસીર છે ખુદ જોઈ લે.,
કેટલો માદક છે તારા રુપનો આસવ હવે....

ધુંધવાયા પ્રાણ ત્યારે તો હવા દીધી નહી.,
પાળીયા પર શીશ પટકે છે વ્રુથા વીપ્લવ હવે.

મૌનને સુપરત કરી દીધો ખજાનો શબ્દનો..,
આવ કે જોવા સમો છે શુન્યનો વૈભવ હવે...

તમારું સ્મિત બની લહેરાઇ જાવાનું મને ગમશે,
તમારાં આંસુ થઇ લૂંછાઇ જવાનું મને ગમશે.

તમારી શેરીમાં આવીને પહેલા જોઇ લઉં તમને,
ગમે ત્યાં એ પછી ફંટાઇ જાવાનું મને ગમશે.

જગતમાં એમ તો હું ક્યાંય રોકાતો નથી કિન્તુ,
તમે જો રોકશો, રોકાઇ જાવાનું મને ગમશે.

પ્રતિબિંબો તમારાં જો ન દેખાડી શકું તમને,
તો દર્પણ છું છતાં તરડાઇ જાવાનુ મને ગમશે.

જગતમાં હું તો મોટા માનવીના નામ જેવો છું,
કોઇ પાષાણમાં અંકાઇ જાવાનું મને ગમશે.

તમે રડશો છતાં દફનાઇ જાવાનું જ છે ‘બેફામ’,
પરંતુ હસશો તો દફનાઇ જાવાનું મને ગમશે.

તારી આંખોમાં હું, મારી હસ્તી સમાવી દઉં,
તારી બાંહોમાં હું, હર ગમ ભૂલાવી દઉં.

તારી ઝૂલ્ફોમાં હું, ખૂદને છૂપાવી દઉં,
તારા હોઠોને મારાં પ્રેમચુંબને ભિજાવી દઉં.

તારા હાથોને મારા હાથોથી મ્હેંદી સજાવી દઉં,
તારા દિલમાં હું, પછી જગા બનાવી દઉં.

તારું નામ હું મારી ધડકનમાં વસાવી દઉં,
તને પામવા હું મારું સર્વસ્વ લૂટાવી દઉં.

’જ્વલંત’ દીપથી હું દીપ પ્રગટાવી લઉં,
પછી અસ્તિત્વથી અસ્તિત્વને સમાવી દઉં.

Saturday, June 2, 2007

કેટલી સરસ મુલાકાત હતી
જાણે કયામત ની રાત હતી

અમારી આંખો ને એમનો ઇંતજાર
ને એમનો પાછળથી કરેલો સાદ
આટલી તો સરસ શરુઆત હતી

ચાંદ, તારા અને પ્રાર્થનાનો સૂર
એમનો સંગાથ, ને ઝાંઝરનો ઝંકાર
જાણે આખી કાયનાત સાથ હતી

અમે તો બસ કહ્યાજ કર્યુ
એમણે તો બસ સાંભળ્યા જ!!
જાણે વર્ષોની કોઇ વાત હતી

ના કોઇ કોલ, ના કોઇ વાયદા
ના એમણે પુછયુ, ના અમે
આટલી તો સરસ રજુઆત હતી

નામ વગર નો રીશ્તો બાંધ્યો,
અને એને પુરી કરવાની પ્રતિજ્ઞા
આતો કેવી અમારી શાલીનતા હતી?

કોને જોઇએ છે જીદંગી ભરનો સાથ
“દીપ” તો જીવી ગયો એક પળમા
એમના સ્પર્શની તો કરામત હતી

‘હા’ કે ‘ના’ નો સવાલ જ કયા છે
જવાબ તો અમે જાણતાજ હતા
બસ,આ મારી છેલ્લી મુલાકાત હતી

પ્યારની રંગીન લત મોંઘી પડી,
આગ સાથેની રમત મોંઘી પડી..

જીતતાં જીતાઈ ગૈ બાજી બધી,
એક આ દીલની લડલ મોંઘી પડી.

જીંદગીના રંગ સૌ રુઠી ગયા..,
બુધ્ધીની આ આવડત મોંઘી પડી.

બાગમાં આવો,રહો,પણ બે ઘડી,
માળીની બસ આ શરત મોંઘી પડી.

પ્રાણ લૈ આવ્યા અને દૈને ગયા,
તારી કીમત ઓ જગત મોંઘી પડી...

મોટા નગર ના માણસો
ચહેરા વગરના માણસો
હેતુ વગરની ભીડમાં
કારણ વગર ના માણાસો
જાણે ન ઓળખતા મને
મારા જ ઘરના માણસો
અખબાર આખુ વાચતા
વાસી ખબર ના માણસો
રણ-રેત માં ડુબી ગયા
પાણીવગર ના માણસો
પાકી સડકની શોધ મા
કાચી કબરના માણસો

ભેટે ઝૂલે છે તલવાર
વીરાજી કેરી ભેટે ઝૂલે રે.
ભીંતે ઝૂએ છે તલવાર
બાપુજી કેરી ભીંતે ઝૂલે રે.
મારા બાપુને, બે'ન બે બે કુંવરિયા
બે વચ્ચે પાડયા છે ભાગ:
હાં રે બે'ની બે વચ્ચે પાડ્યા છે ભાગ
વીરાજી કેરી ભેટે ઝુલે રે.
મોટે માગી છે મો'લ મે'લાતો વાડીઓ
નાને માંગી છે તલવાર - વીરાજી.
મોટો મા'લે છે મો'લ મેડીની સાયબી
નાનો ખેલે છે શિકાર - વીરાજી.
મોટો ચડિયો છે કાંઈ હાથી-અંબાડીએ
નાનેરો ઘોડો અસવાર - વીરાજી.
મોટો કાઢે છે રોજ કાવા કસૂંબલા
નાનેરો ઘૂમે ઘમસાણ - વીરાજી
મોટો પોઢે છે લાલ રંગીલે ઢોલિયે
નાનો ડુંગરડાની ધાર - વીરાજી
મોટો મઢાવે વેઢે વીંટીને હારલા
નાનો સજાવે તલવાર - વીરાજી.
મોટાને સોહે હીર-જરિયાની આંગડી
નાનાને ગેંડાની ઢાલ - વીરજી
મોટો સંતાય સુણી શત્રુના રીડિયા
નાનેરો દ્યે છે પડકાર - વીરાજી
મોટો ભાગ્યો છે સેન શત્રુનાં ભાળતા
નાનેરો ઝીંકે છે ઘાવ - વીરાજી.
મોટે રે માડી, તારી કૂખો લજાવી
નાને ઉજાળ્યા અવતાર - વીરજી.
મોટાનાં મોત ચાર ડાઘુડે જાણિયાં
નાનાની ખાંભી પૂજાય - વીરાજી.
ભેટે ઝૂલે છે તલવાર
વીરાજી કેરી ભેટે ઝૂલે રે
ભીંતે ઝૂલે છે તલવાર
બાપુજી કેરી ભીંતે ઝૂલે રે.

કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ,
હતું અંધારું આભ, ત્યાં ગુલાલ કરી ગઈ!

જરા ઝૂકીને જોઈ રહે જોઈ કાંચનાર,
અને ટહુકીને પૂછે કોઈ પંખી લગાર,
જાણે લજ્જાની વેલ લાલલાલ કરી ગઈ,
કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ!

જરા લંબાઈ મારગડે જોઈ લીધું કૈંક,
પેલાં કિરણોએ ઝાકળપિયાલે પીધું કૈંક,
ભાન ભૂલેલી સાનનો કમાલ કરી ગઈ,
કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ!!!!

કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને,
જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને !

તારા વિના અહીં તો છે ધુમ્મસ ફક્ત બધે,
તારી ગલીમાં કેવા છે તડકાઓ લખ મને !

અકળાઈ જાઉં એવા અબોલા ન રાખ તું,
તારા જ અક્ષરો વડે ઝઘડાઓ લખ મને !

કોઈ મને બીજા તો સહારા નહીં મળે,
અમથા જ તારે હાથે દિલાસાઓ લખ મને !

મારા જીવનનો પંથ હજી તો અજાણ છે,
ક્યાં ક્યાં પડ્યાં છે તારાં પગલાંઓ લખ મને !

વ્યર્થ દુનિયામાં પ્રણયને આંધળો કહેવાય છે;
તુ નયન સામે નથી તોપણ મને દેખાય છે.

જ્યાં જુઓ ત્યાં બધે એક જ વદન દેખાય છે;
કોઈને એક વાર જોયા બાદ આવું થાય છે.

એમ તો એનું અચાનક પણ મિલન થઈ જાય છે;
શોધમાં નીકળું છું ત્યારે જ એ સંતાય છે.

આવ મારાં આંસુની થોડી ચમક આપું તને,
તું મને જોઈને બહુ ઝાંખી રીતે મલકાય છે.

એટલે સાકી, સુરા પણ આપજે બમણી મને,
મારા માથા પર દુ:ખોની પણ ઘટા ઘેરાય છે.

હોય ના નહિ તો બધોય માર્ગ અંધારભર્યો,
લાગે છે કે આપની છાયા બધે પથરાય છે.

હું કરું છું એના ઘરની બંધ બારી પર નજર,
ત્યારે ત્યારે મારી આંખોમાં જ એ ડોકાય છે.

પ્યાર કરવો એ ગુનો છે એમ માને છે જગત,
પણ મને એની સજા તારા તરફથી થાય છે.

છે લખાયેલું તમારું નામ એમાં એટલે,
લેખ મારાથી વિધિના પણ હવે વંચાય છે.

છે અહીં 'બેફામ' કેવળ પ્રાણની ખુશ્બૂ બધી,
પ્રાણ ઊડી જાય છે તો દેહ પણ ગંધાય છે.